કોટેશ્વર અને સમૃધ્ધિ સોસાયટીના લોકોને બચાવવા NDRFની મદદ લેવાઇ
આજવામાંથી પાણી છોડાતા સુખલીપુરા, કોટાલીમાં પાણી ફરી વળતા લોકોને રેસ્ક્યૂ કરાયા
વડોદરા, તા.25 વડોદરા શહેરમાં ગઇકાલે પડેલા ભારે વરસાદના કારણે વડસર વિસ્તારની કેટલીક સોસાયટીઓ ફરી પાણી પાણી થઇ ગઇ હતી. આ વિસ્તારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે એનડીઆરએફની મદદ લેવી પડી હતી. જ્યારે આજવા સરોવરમાંથી પાણી છોડાતા વડોદરા તાલુકાના કાંઠાના ગામોમાં પાણી પ્રવેશતાં લોકોનું સ્થળાંતર કરવું પડયું હતું.
આજવા સરોવરમાંથી પાણી છોડાતાં વિશ્વામિત્રી નદી કિનારાના સુખલીપુરા, કોટાલી, દેણા અને આસોજ ગામની સીમમાં પાણી ભરાઇ જતાં વડોદરા ગ્રામ્ય મામલતદાર અને તેમની ટીમે મુલાકાત લીધી હતી. નદીમાં જળસ્તર વધતાં આ ગામોના લોકોનો રૃબરૃ સંપર્ક કરી સાવચેત કરવા સાથે અગમચેતીના પગલાં તાલુકા તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે. મામલતદાર શૈલેષ દેસાઈએ જણાવ્યું હતું કે નદીમાં જળસ્તર વધતા નદી કિનારાના સુખલીપૂરામાંથી ૭૧ અને કોટાલીમાંથી ૭૦ સહિત કુલ ૧૪૧ લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.
વડોદરા શહેરમાં વડસર વિસ્તારમાં પાણી ભરાતા વડોદરા શહેર પોલીસના જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી હતી અને નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. શહેરના વડસર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે સમૃદ્ધિ સોસાયટી અને કોટેશ્વરમાં ફસાયેલા ૧૦ લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢી આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હતા.
શહેરના વડસર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે ફસાયેલા ૪૯ લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.જેમાં ૧૯ પુરુષ,૧૫ મહિલા,૧૪ બાળકો અને એક નાના બાળક સહિત કુલ ૪૯ લોકોનો સમાવેશ થાય છે.