નાર્કોટિક્સના ગુનામાં ફરાર વડુના અનવરની ધરપકડ
શહેર-જિલ્લાની અનેક ચોરીઓમાં સંડોવાયેલા સતનામસિંગ અને દારૃના ગુનામાં ફરાર ખેલસિંગ ઝડપાયો
વડોદરા, તા.2 ચોરીના અનેક ગુનાઓ આચરી ફરાર થયેલો સિકલીગર ચોર તેમજ નાર્કોટિક્સના ગુનામાં અને દારૃના કેસમાં વોન્ટેડ આરોપીને જિલ્લાના પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડયા હતાં.
વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં છેલ્લા ઘણા સમયથી અનવર ઉર્ફે સુરતી કાસમ શેખ (રહે.વડુ ગામ, ભોજરોડ) ફરાર હતો. દરમિયાન જિલ્લા પોલીસને મળેલી બાતમીના આધારે તેને વડુ ભાગોળ પરથી ઝડપી પાડયો હતો. આ ઉપરાંત વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં દારૃના ગુનામાં એક વર્ષથી ફરાર ખેલસિંગ અમનસિંગ ભુરિયા (રહે.ચીચલાણા, ભુરિયા ફળિયું, તા.જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ)ને પણ પોલીસે તેના ગામમાં વોચ ગોઠવીને ઝડપી પાડયો હતો.
વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં જ એક વર્ષ પહેલાં ચોરીના ગુનામાં સતનામસિંગ છોટુસિંગ બાવરી (રહે.ગુરુદ્વારાની બાજુમાં, ગોધરા બસ સ્ટેન્ડ પાસે)નું નામ ખુલતાં તે ફરાર હતો. દરમિયાન તે ગોધરામાં ગુરુદ્વારારોડ પર આવનાર છે તેવી બાતમીના આધારે વોચ ગોઠવી ઝડપી પાડવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લા ઉપરાંત આણંદ જિલ્લામાં છ ગુના તેની સામે નોંધાયેલા છે તેમજ વડોદરા શહેરમાં આઠ જગ્યાએ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે બાઇક પર ફરી પોતે બંધ મકાનોની રેકી કર્યા બાદ ચોરી કરતો હતો.