આઠમા નોરતે વડોદરામાં હજારો સ્થળોએ નવચંડી યજ્ઞાના આયોજનો થયા

શનિ-રવિની રજાના માહોલમાં ગરબા મેદાનોમાં વધુ પડતી ભીડના કારણે ખેલૈયાઓને ગરબા રમવામાં મુશ્કેલી ઊભી થઇ

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
આઠમા નોરતે વડોદરામાં હજારો સ્થળોએ નવચંડી યજ્ઞાના આયોજનો થયા 1 - image


વડોદરા : વિક્રમ સંવત ૨૦૭૯ની આસો નવરાત્રિ તેના અંતિમ ચરણમાં આવી ગઇ છે. રવિવારે અષ્ટમી હોવાથી શહેરમાં હજારો સ્થળોએ 'નવચંડી યજ્ઞા'ના આયોજનો થયા હતા. દુર્ગા સપ્તસતીના મંત્રોચ્ચારથી વડોદરામાં વૈદિક યુગના દર્શન થઇ રહ્યા હતા, તો બીજી તરફ હવે બે દા'ડા જ બાકી રહ્યા હોવાથી રવિવારે ગરબા મેદાનો ખેલૈયાઓથી ભરચક થઇ ગયા હતા.

અષ્ટમીના દિવસે નવચંડી યજ્ઞાની પરંપરા છે. આજે વડોદરામાં આવેલા શક્તિ પીઠ સમાન માતાજીના મંદિરો, ગરબા મેદાનો, સોસાયટીઓ અને પોળોમાં ઠેર ઠેર નવચંડી યજ્ઞાના આયોજનો થયા હતા, તો માંડવીમાં મેલડી માતાજીના મંદિરે, ઘડિયાળી પોળમાં અંબા માતાજીના મંદિરે, કારેલીબાગમાં બહુચર માતાજીના મંદિરે અને સમા રાંદલ માતાજીના મંદિરે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મંદિરોમાં દર્શન માટે લાંબી કતારો લાગી હતી. લાખો રૃપિયાના ફૂલોનું આજે વડોદરામાં વેચાણ થયું હતું.

આઠમા નોરતે વડોદરામાં હજારો સ્થળોએ નવચંડી યજ્ઞાના આયોજનો થયા 2 - image

ગરબા મેદાનો પર આમ તો શનિવારે જ ભારે ભીડના દર્શન થયા હતા, પરંતુ આજે રવિવારે તો એવી સ્થિતિ હતી કે ખેલૈયાઓને ગરબે રમવા માટે પૂરતી જગ્યા પણ મળતી ન હતી. લગભગ તમામ ગરબા મેદાનોની રવિવારે આ પરિસ્થિતિ હતી. ખેલૈયાઓ ફરિયાદ કરી રહ્યા હતા કે છેલ્લા બે દિવસ બાકી છે, પરંતુ અતિશય ભીડના કારણે ગરબા રમવામાં મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ આયોજકોનું કહેવું હતું કે મેદાનો ઉપર તો પૂરતી જગ્યા છે પરંતુ શનિ-રવિની રજાના કારણે ભીડ વધી છે. 

મંગળવારે સાંજે પોલો ગ્રાઉન્ડ પર રામલીલાનું મંચન અને રાવણ દહન

ભારત દેશમાં અત્યાર સુધી સનાતન સંસ્કૃતિ પ્રમાણે નવરાત્રિ દરમિયાન રામલીલાનું મંચન થાય છે અને દશેરાના દિવસે રાવણ દહન થાય છે. સંક્ષિપ્ત રામલીલા હોય તો દશેરાના દિવસે જ મંચન થાય છે અને રાવણ દહન સાથે પૂર્ણાહુતિ થાય છે. 

વડોદરામાં પોલો ગ્રાઉન્ડ પર દશેરાના દિવસે સંક્ષિપ્ત રામલીલા બાદ રાવણ દહનનો કાર્યક્રમ ૪૨ વર્ષ થી ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા યોજવામાં આવે છે. તે મુજબ તા.૨૪ ઓક્ટોબર દશેરાના દિવસે સાંજે પાંચ વાગ્યાથી રામલીલાનું મંચન અને રાવણ દહન થશે. 

આઠમા નોરતે વડોદરામાં હજારો સ્થળોએ નવચંડી યજ્ઞાના આયોજનો થયા 3 - image

સોસાયટીઓ અને પોળોમાં રાવણ દહનનો ટ્રેન્ડ : ફૂટપાથ પર રાવણના બે ત્રણ ફૂટના પુતળાઓનું વેચાણ

વડોદરાના રસ્તાઓ ઉપર છેલ્લા બે ત્રણ દિવસથી રાવણના નાના કદના પૂતળાઓનું વેચાણ થતું નજરે પડે છે. ફૂટપાથ પર રાવણના પૂતળાનું વેચાણ કરતી શ્રમજીવી મહિલા સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે લોકો પોળ, સોસાયટીમાં પણ રાવણના પૂતળાનું દહન કરી શકે તે માટે આ વખતે નાના કદના રાવણના પૂતળા બનાવ્યા છે. જો કે આ પૂતળામાં દારૃખાનું ભરવામાં નથી આવતું. વાંસની સળીઓ અને કાગળથી જ પૂતળા બનાવાય છે.

Google NewsGoogle News