ગુંબજના સમારકામમાં ગોળ, અડદ, અળસીનુ તેલ અને ગુંદર જેવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
ગુંબજના સમારકામમાં ગોળ, અડદ, અળસીનુ તેલ અને ગુંદર જેવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના ઐતિહાસિક ગુંબજ અને ઈમારતના રિસ્ટોરેશન  અને સમારકામની  કામગીરી ૨૫ ટકા પૂર્ણ થઈ ચૂકી છે.

આર્ટસ ફેકલ્ટીની ઐતિહાસિક ઈમારત ૧૮૮૦માં ૮.૩૦ લાખ રુપિયાના ખર્ચે બની હતી અને તેમાં ૧૮૮૧માં બરોડા કોલેજની શરુઆત થઈ હતી.હવે આ ઈમારતના અને ગુંબજના સમારકામના પ્રોજેકટ માટે ૫.૬૦ કરોડ રુપિયાનુ બજેટ ફાળવવામાં આવ્યુ છે.ગુંબજ પર પ્રદુષણના કારણે જામી ગયેલી કાળાશ દૂર કરવામાં આવી રહી છે.આર્ટસ  ફેકલ્ટીની ઈમારત પર મુખ્ય ગુંબજ ઉપરાંત બીજા સાત નાના મોટા ગુંબજ છે.ગુંબજ તેમજ દીવાલોનુ ૨૫ ટકા રિસ્ટોરેશન પૂર્ણ થઈ ગયુ છે.બાકીનુ કામ માર્ચ-૨૦૨૫ સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ છે.

કામગીરી સાથે સંકળાયેલા સૂત્રોનુ કહેવુ છે કે,  ગુંબજ  અને ઈમારતમાં જે તે સમયે સિમેન્ટનો વપરાશ થયો નહોતો.તે સમયે ચૂના, ગોળ, અડદ, અળસીનુ તેલ , ગુંદર અને મેથીના દાણા જેવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરાયો હતો અને સમારકામમાં પણ આ વસ્તુઓ વાપરવામાં આવી રહી છે.સમારકામ બાદ ગુંબજ સફેદ થઈ જશે અને તેની ભૂતકાળની ચમક પાછી આવશે તેવી આશા રખાઈ રહી છે.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે પણ બે દિવસ પહેલા ગુંબજની મુલાકાત લઈને સમારકામનુ નિરિક્ષણ કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, ગુંબજ અને ઐતિહાસિક ઈમારતના સમારકામની કામગીરી પહેલા આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને સોંપાઈ હતી.કોન્ટ્રાકટરે ગુંબજમાં કાણા પાડતા ઉહાપોહ થયો હતો અને આ કામ તેની પાસેથી પાછુ લઈ લેવાયુ હતુ.અન્ય એક કોન્ટ્રાક્ટરને બાદમાં કામ સોંપાયુ હતુ પણ  કોરોનાકાળના પગલે કામ પુરુ કરવામાં વિલંબ થતા હવે સત્તાધીશોએ ટેન્ડર મંગાવ્યા બાદ નવી એજન્સીને આ કામ સોંપ્યુ છે.


Google NewsGoogle News