રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અર્બન નકસલીઓ સક્રિય થયા છે, હમ એક હૈ તો સેફ હે ઃ મોદી
રાષ્ટ્રીય એકતા તોડવાની મુરાદ ધરાવતા તત્વોના કુપ્રચાર સામે સાવધ રહેવા વડાપ્રધાનની હાંકલ
રાજપીપળા તા.૩૧ વિકાસની મુખ્યધારામાંથી વંચિત રહેલા આદિવાસી સમાજને ભોળવી નકસલવાદને પોષવાનું કામ થતું હતું પરંતુ હવે આદિવાસી સમાજને યોજનાકીય લાભો આપી દેશ સાથે જોડવામાં આવતા જંગલ વિસ્તારનો નકસલવાદ અંતિમ શ્વાસ લઇ રહ્યો છે હવે અર્બન નકસલીઓ સક્રિય થયા છે અને તેઓ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે ત્યારે તેમણે એકતાનો દોર મજબૂત કરવાની હાંકલ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે કહ્યું હતું કે હમ એક હૈ તો સેફ હૈ.
સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રાયગઢના કિલ્લાની પ્રતિકૃતિ સમક્ષ સંબોધન કરતાં તેમણે ઉમેર્યું હતું કે દેશની અંદરના અને બહારના કેટલાંક લોકો આપણી વચ્ચેની એકતા તોડી અરાજકતા ફેલાવવાના હીન પ્રયાસો કરી રહ્યા છે. દેશના આર્થિક હિતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. દેશની સેનાને લક્ષ્ય બનાવી દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દેશની શાંતિને જાતપાતના નામ ઉપર ડહોળી વિભાજન કરી રહ્યા છે. આવા વિઘટનકારી તત્વો ભારતીય સમાજ કમજોર બને અને રાષ્ટ્રીય એકતા તૂટે એવી મુરાદ ધરાવે છે અને દેશ સામે કુપ્રચાર કરે છે, આવા તત્વોની વૃત્તિ-પ્રવૃત્તિથી સાવધ રહેવાની જરૃર છે.
વડાપ્રધાને કહ્યું હતું કે સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવશે. આગામી બે વર્ષ સુધી સરદાર સાહેબની સાર્ધ શતાબ્દિની ઉજવણી કરી તેમને સાચી કાર્યાંજલિ અર્પિત કરાશે. દુનિયામાં અસ્થિરતા અને યુધ્ધ વચ્ચે ભારતે સમગ્ર વિશ્વને બુધ્ધનો શાંતિનો સંદેશ આપ્યો છે એમ કહેતા મોદીએ કહ્યું કે આટલી વૈશ્વિક સમસ્યાઓ છતાં ભારત વિકાસના નવા માનકો સ્થાપી રહ્યું છે. ઝડપી આર્થિક વિકાસ માટે વિકસિત ભારત બનાવવા સમૃધ્ધ ભારત બનાવવા આ એકતા જરૃરી છે.
તેમણે કહ્યું હતું કે વન નેશન-વન રાશન, વન નેશન-વન આઇડેન્ટી, વન નેશન-વન ટેક્સ, વન નેશન-વન પાવરગ્રિડ, વન નેશન-વન હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપરાંત હવે સરકાર વન નેશન-વન સેક્યૂલર સિવિલ કોડ અને વન નેશન-વન ઇલેક્શનની દિશામાં કામ કરી રહી છે.