વડોદરા કોર્પોરેશનમાં નવીન વર્ધિત પેન્શન સ્કીમ અને કુટુંબ પેન્શનને કારણે આર્થિક ભારણ વધશે

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનમાં નવીન વર્ધિત પેન્શન સ્કીમ અને કુટુંબ પેન્શનને કારણે આર્થિક ભારણ વધશે 1 - image


Vadodara Corporation News : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં નવીન વર્ધિત પેન્શન સ્કીમ હેઠળ સમાવિષ્ટ કર્મચારીના ફાળા સામે આપવા પાત્ર ફાળામાં વધારો કરવા તેમજ આ સ્કીમ હેઠળ સમાવિષ્ટ કર્મચારીની અશક્તતા અથવા મરણના પ્રસંગે કુટુંબ પેન્શન આપવા સંદર્ભેની બે દરખાસ્ત મુલતવી રાખવામાં આવી હતી. આ દરખાસ્તના કારણે કોર્પોરેશન પર આર્થિક ભારણ વધે તેમ છે. જેના લીધે આ બંને દરખાસ્ત પર હજી વધુ પુખ્ત વિચારણાની આવશ્યકતા ઊભી થઈ છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા અગાઉ નવી વર્ધિત પેન્શન યોજના સ્વીકારી છે, અને તેમાં અનેક વખત સુધારા વધારા પણ થયા છે. જે સ્વીકારવાપાત્ર હોય છે. આ યોજનામાં કર્મચારીના પગારમાંથી 10% રકમ કપાત કરવામાં આવે છે. જેની સામે સંસ્થાએ પોતાના ફાળા તરીકે 14 ટકા રકમ ઉમેરી કપાત કરેલી કુલ રકમ એન.એસ.ડી.એલમાં જમા કરાવવા દરખાસ્ત રજૂ થઈ હતી. આના લીધે કોર્પોરેશન પર આશરે 8.30 કરોડનો બોજો પડે તેમ છે. હાલ આ યોજનાનો 3100 કર્મચારીઓ લાભ લઈ રહ્યા છે. એ જ પ્રમાણે નવીન વર્ધિત પેન્શન યોજનામાં સમાવિષ્ટ કર્મચારી ફરજ દરમિયાન અશક્ત બને અથવા તો મરણ થાય તો કુટુંબ પેન્શન આપવાનું થાય છે. હાલ જે નવી નીતિ છે તે લાગુ કરવી કે કેમ તે પણ પ્રશ્ન છે. કારણ કે આની અસર 2005 થી કામ કરતા કર્મચારીઓ પર થવાની છે. હાલ કોર્પોરેશનમાં 180 થી વધુ લોકોને આ આપવાનું થાય છે, અને તેના કારણે નાણાકીય ભારણ પણ કોર્પોરેશન પર આવશે. આની ચુકવણી એન.એસ.ડી.એલને બદલે કોર્પોરેશન માથે આવવાની છે. આમ આ બંને દરખાસ્ત હજી વધુ ચર્ચા વિચારણા માંગી લે તેમ હોવાથી મુલતવી કરવામાં આવી હતી.


Google NewsGoogle News