જય રણછોડ...ના નાદથી ગૂંજશે ગાંધીનગર, 40મી વખત ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
જય રણછોડ...ના નાદથી ગૂંજશે ગાંધીનગર, 40મી વખત ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન 1 - image


Gandhinagar Rathyatra | ગાંધીનગરમાં 1985થી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાય છે. ત્યારે લોકોત્સવ બની ગયેલા રથયાત્રાના તહેવાર દરમ્યાન આવતીકાલે ગાંધીનગરમાં પરંપરાગત રુટ ઉપર 40મી રથયાત્રા નિકળશે. સવારે પંચદેવ મંદિરથી રથયાત્રાને પંચદેવ યુવક મંડળના ખલાસીઓ ખેંચશે અને આ યાત્રા જુના અને નવા સેક્ટરો થઇને બપોરે સે-29 જલારામ મંદિર મોસાળામાં પહોંચશે ત્યાં વિરામ કર્યા બાદ ફરી રથયાત્રા જુના સેક્ટરોમાં થઇને નિજ મંદિર પરત ફરશે. રથયાત્રા હાથી-ઘોડા જેવા આકર્ષણો ગુમાવી રહી છે તેમ છતા ભગવાનના દર્શન માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અષાઢી બીજને રથયાત્રા એ હવે કોઈ ધાર્મિક ઉત્સવના બદલે લોકોત્સવ બની ગયો છે. જેમાં દરેક જ્ઞાાતિના અને દરેક વર્ગના લોકો શ્રદ્ધાપૂર્વક જોડાય છે. ત્યારે જગન્નાથપુરી અને અમદાવાદની રથયાત્રાની જેમ જ ગાંધીનગરની રથયાત્રાનું પણ એટલું જ મહત્વ છે. વર્ષ 1985 થી ગાંધીનગરમાં નિકળતી રથયાત્રા આવતીકાલે ૪૦મા વર્ષમાં મંગળ પ્રવેશ કરશે. ગાંધીનગરની 31 કીલોમીટર લાંબી રથયાત્રામાં અગાઉની જેમ મોટી નહીં હોય વાહનની દ્રષ્ટીએ આ રથયાત્રા નાની હોવાનો અંદાજો છે. તેમ છતા ભક્તોની ભક્તિમાં ઓટ આવી નથી અને ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રજીના દર્શન માટે સવારથી જ માર્ગોની બન્ને બાજુ ભક્તોની ભીડ જોવા મળશે અને નગરના માર્ગો જય રણછોડ...માખણ..ચોર..ના નાદથી ગુંજી ઉઠશે.

આ રથયાત્રાનું ગાંધીનગરના નગરજનો તેમજ વેપારી મંડળો, વસાહત મંડળો, કોર્પોરેટરો, ધાર્મિક,સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક સ્વાગત કરવામાં આવશે. તો બીજી બાજુ રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને રથયાત્રાને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે ભક્તોમાં પણ રથયાત્રાને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ આ પવિત્ર પ્રસંગમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પણ છેલ્લા એક અઠવાડિયાથી ખડેપગે છે તેમજ રથયાત્રા દરમ્યાન સતત પેટ્રોલીંગ કરશે.ગાંધીનગર સહિત જિલ્લામાં પેથાપુર, સાદરા, કલોલ, માણસા અને દહેગામમાં રથયાત્રા સમિતિઓ દ્વારા રથયાત્રા નિકાળવામાં આવે છે.

રથયાત્રામાં બે ઝોનમાં બંદોબસ્ત વહેંચાયોઃપોલીસ એલર્ટ મોડ પર

ગાંધીનગરમાં પંચદેવ મંદિરેથી નિકળનારી 31 કિલોમીટર લાંબી રથયાત્રામાં સમગ્ર રાજ્યમાં રૃટની દ્રષ્ટીએ સૌથી મોટી છે ત્યારે તેની સુરક્ષા માટે ગાંધીનગર પોલીસ દ્વારા બે ઝોનમાં બંદોબસ્તની વહેંચણી કરવામાં આવી છે. સવારે સાત વાગ્યાથી બપોરે જલારામ મંદિરે રથયાત્રા પહોંચે ત્યાં સુધી સેક્ટર-7 પોલીસ અને એસઆરપી સહિત ૨૦૦થી વધુ જવાનો ફરજ બજાવશે જ્યારે બપોર બાદ રથયાત્રાની સુરક્ષાની જવાબદારી સેક્ટર-૨૧ પોલીસના સીરે રહેશે આ ઉપરાંત એલસીબી અને એસઓજી દ્વારા પણ સતત પેટ્રોલીંગ કરવામાં આવશે. ગાંધીનગર ઉપરાંત કલોલ, માણસા દહેગામ અને પેથાપુરમાં પણ મોટી રથયાત્રા નિકળે છે જેથી અહીં પણ સ્થાનિક પોલીસ દ્વારા સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

60 મણ મગ,70 કિલો જાંબુ અને 100 કિલો કાકડીનો પૌષ્ટિક પ્રસાદ

રથયાત્રાના પાવનપર્વએ ભગવાન જગન્નાથ દર્શન તો આપે જ સાથે પ્રસાદની વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવે છે. ગાંધીનગર રથયાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મગના પરંપરાગત પ્રસાદ માટે અગાઉથી જ તૈયારી કરી છે. રથયાત્રામાં ફળગાવેલા મગની ધાર્મિક માન્યતાઓ તો ઘણી છે પરંતુ વિજ્ઞાાનિક મહત્વ પણ રહેલુ છે.શક્તિવર્ધક અને પૌષ્ટિક ફળગાવેલા મગના પ્રસાદ માટે રથયાત્રા દરમિયાન ૧૫૦૦ કિલોથી પણ વધારે મગનો પ્રસાદ રાખવામાં આવ્યો છે. તો આ ૬૦ મણ ફળગાવેલા મગના પ્રાસાદ ઉપરાંત ૧૦૦ કિલો જેટલી કાકડી તેમજ ૭૦ કિલોથી વધારે જાંબુનો પ્રસાદ રથાયાત્રા દરમિયાન આપવામાં આવશે.

પંચદેવથી સવારે સાત કલાકે નિકળી યાત્રા સાંજે ૭ઃ૩૦ વાગે પરત ફરશે

ગાંધીનગરની ૪૦મી રથયાત્રી રવિવારે નિકળવાની છે તે પણ પરંપરાગત રૃટ ઉપર પરિભ્રમણ કરશે. સવારે સાત વાગે આરતી-પૂજા કર્યા બાદ રથયાત્રી સે-૨૨ પંચદેવ મંદિરથી પ્રયાણ કરશે. જે શોપીંગ સેન્ટર, સે-૧૭-૨૨, સે-૧૭ હનુમાનજી મંદિર,સે-૧૬ નાગરિક બેક, રંગમંચ, બ્રહ્મભવન થઇને ગ-રોડ ઉપર પહોંચશે. ત્યાં અંડરપાસ તઇને સે-૧૨-૧૩ હનુમાન મંદિર, બલરામ મંદિર, સિવિલની પાછળના માર્ગે થઇને સે-૬માં ભુવનેશ્વર મહાદેવ મંદિરે જશે. ત્યાંથી ફક્ત માત્ર રથ સંત રોહિદાસ મંદિરે જશે અને સે-૬ના મુખ્ય શોપીંગ સેન્ટરે સવારે ૯ઃ૪૦ની આસપાસ પહોંચી જશે. ત્યાર બાદ સે-૩-૬ ચાર રસ્તા થઇને ઘ-૨,સે-૨-૭ થઇને સે-૭ શોપીંગ સેન્ટરથી ચ-રોડ ઉપર જશે જ્યાંથી સે-૮માં જવાને બદલે રથયાત્રા ચ-રોડ ઉપર જિલ્લા પંચાયત સુધી જશે ત્યાંથી સચિવાલય બાજુ વળીને ડિઝાસ્ટર ઓફિસ, સે-૧૯ પુછપરછ કચેરી, ચિલ્ડ્રન યુનિ.થી અક્ષરધામ પાછળના ભાગેથી સે-૨૦ શોપીંગ સેન્ટર, સે-૨૧-૩૦, ગુરુદ્વારા તરફ, શોપીંગ સેન્ટરથી સે-૨૯ જલારામ મંદિરે બપોરે ૧૨-૩૦ વાગે પહોંચશે. જ્યાં અઢી કલાક જેટલો વિસામો કરીને ફરી રથયાત્રા સેન્ટ્રલ યુનિ થી બાલોદ્યાન, દત્ત મંદિર, વરિયા સમાજ ભવન, સે-૨૭ સોમેશ્વર મહાદેવ મંદિર ડીએસપી કચેરી, શીવ શક્તિ મંદિર, સે-૨૪-આર્ય સમાજ મંદિર રોડ, સે-૨૩ સ્વામીનારાયણ મંદિર, કડી સ્કૂલ થઇને સે-૨૨ પોલીસ ચોકી તરફ, સે-૨૨-૨૯થી ચ-૬ વૈજનાથ મંદિર માત્ર રથ જશે. ત્યાર બાદ સે-૨૧ ગ્રથાલયથી શાકમાર્કેટ થઇને સાંજે ૭ઃ૩૦ વાગે રથયાત્રા નીજ મંદિરે પરત ફરશે.

રથયાત્રાના રૃટ ઉપર તંત્ર દ્વારા તાબડતોડ થિંગડા મારવા પડયા

ગાંધીનગરમાં હાલ પાણી અને ગટર લાઇનની કામગીરીને કારણે ઠેકઠેકાણે માર્ગો ઉપર ખોદકામ કરવામાં આવ્યું છે એજન્સી દ્વારા જેમતેમ કરીને આ ખાડા પુરી દેવામાં આવ્યા હતા ત્યારે હવે ખુદ જગતનો નાથ જ નગરચર્યાએ નિકળવાનો છે ત્યારે તંત્રની પોલ ઉઘાડી ન પડી જાય તે માટે તાબડતોડ ખાડા ઉપર ડામર અને સિમેન્ટકામ કરવામાં આવ્યું હતું તેમ છતા સે-૨૨ શોપીંગ સેન્ટર, સે-૧૭ના આંતરિક માર્ગ, સે-૧૬માં પ્રવેશવાનો રસ્તો, સે-૧૨ના આંતરિક માર્ગ, સે-૬માંથી સે-૩માં જવાના માર્ગ ઉપર ડિવાઇડરની કામગીરી કાર્યરત, સે-૨૦, સે-૩૦, સે-૨૯ સહિતના જુના સેક્ટરોમાં પણ આંતરિક માર્ગો ઉપર જ્યાં રથયાત્રા ફરવાની છે ત્યાં રસ્તાની હાલત ખુબ જ ખરાબ છે જેના પગલે છેલ્લી ઘડીએ તેના ઉપર વેટમિક્સ નાંખવામાં પણ આવી રહ્યો છે. બીજીબાજુ રૃટ ઉપર માર્ગોની બન્ને બાજુ નમી ગયેલા વૃક્ષોનું ટ્રીમીંગ કરવામાં આવ્યું હતું જેથી કરીને ઝાડની ડાળીઓ રથ કે યાત્રામાં જોડાયેલા ટ્રકોને નડે નહીં તેમ છતા ઘણી જગ્યાએ સ્થિતિ જૈસે થે છે જેના કારણે ભગવાનને પણ તંત્રની લાલીયાવાડીનો અનુભવ આવતીકાલે થશે.


Google NewsGoogle News