કાનપુરથી સુરતમાં ડિલિવરી ગાંજાવાળી ચોકલેટો રેલવેના પાર્સલમાં મોકલવાનું નેટવર્ક
રેલવે પોલીસે ૧૨ સામે ગુનો નોંધી પાંચની ધરપકડ કરી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા
વડોદરા, તા.6 રેલવેના પાર્સલમાં ગાંજા મિશ્રિત ચોકલેટોનું પાર્સલ મોકલવાનું નેટવર્ક રેલવે પોલીસે ઝડપી પાડી પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે આ ગુનાની તપાસ કાનપુર સુધી લંબાવી છે.
આ અંગેની વિગત એવી છે કે સુરત રેલવે સ્ટેશન પર આવેલી પાર્સલ ઓફિસમાં ૧૨ શંકાસ્પદ પાર્સલો આવ્યા હતાં. આ પાર્સલોમાં ચોકલેટો હતી. આ ચોકલેટો નશા માટે વપરાતી હોવાની માહિતીના આધારે પોલીસે ચોકલેટોને એફએસએલમાં મોકલતાં ચોકલેટોમાં કેનાબીસીસના સક્રિય ઘટકો ધરાવતો વનસ્પતિજન્ય નશીલો પદાર્થ મળ્યો હતો. આમ ટ્રેનના પાર્સલમાં ગાંજા મિશ્રિત ચોકલેટોની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું હતું.
આ અંગે સુરત રેલવે પોલીસમાં તા.૧૮ ફેબુ્રઆરીના રોજ ૧૨શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. રેલવે પોલીસ અધિક્ષક દ્વારા આ કેસની તપાસ વડોદરા રેલવે પોલીસના પીઆઇને સોંપવામાં આવી હતી. આ તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે કાનપુરથી ચોકલેટોના પેકેટો આવ્યા હતાં. આ ગુનામાં પોલીસે સુરેશચન્દ્ર કેશવલાલ મેવાડા (રહે.ગોડાદરા, સુરત), શ્યામલાલ ધરમચંદ મેવાડા (રહે.ભેસ્તાન, સુરત), અંકિત ઉર્ફે મનિષ સુરેશ તલરેજા (રહે.જહાંગીરાબાદ, સુરત), તનુ દુલાલ મજમુદાર (રહે.ઇચ્છાપોર, સુરત) અને દેવેન્દ્ર સંતોષ સોની (રહે.વરાછા, સુરત)ને ઝડપી પાડયા હતાં. પોલીસે પાંચેયની વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.