આજે દેવ દિવાળી : નરસિંહજીનો વરઘોડો નીકળશે, તુલસીવાડીમાં તુલસી વિવાહ
વરઘોડો માંડવી, ચાંપાનેર ગેટ, ફતેપુરા થઇને તુલસીવાડી પહોંચશે : વિરાસાની પોળના નરસિંહજી ભગવાનના મંદિરમાં પણ તુલસી વિવાહ યોજાશે
વડોદરા : ચાર દરવાજા વિસ્તારમાં આવેલા મંદિરોમાં દિવાળી પછી વરઘોડાની પરંપરાઓ છે જેમાં દેવ દિવાળીએ નરસિંહજીની પોળમાં આવેલા નરસિંહ મંદિરથી ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળે છે. આ પરંપરા અનુસાર સોમવારે દેવ દિવાળી નિમિત્તે ભગવાન નરસિંહજી સાજન-માજન સાથે તુલસીજીને પરણવા માટે તુલસીવાડી જશે
જો કે વરઘોડા પહેલા તમામ શાોક્ત વિધિનું પણ આયોજન કરાય છે. તે મુજબ સોમવારે સવારે ચાંલ્લા વિધિ થશે. જેમાં ભક્તોને પોતાના હસ્તે ચાંલ્લા વિધિ અને ચરણ સ્પર્શ કરવાનો લ્હાવો મળશે.ચાંલ્લા વિધિ બાદ સાંજે ભગવાનને પાલખીમાં આરૃઢ કરીને પુજા-અર્ચના થશે જે બાદ નિજ મંદિરથી વરઘોડાનો પ્રારંભ થશે. વરઘોડો માંડવી, ચાંપાનેર ગેટ, ફતેપુરા થઇને તુલસીવાડી પહોંચશે જ્યાં તુલસી વિવાહ યોજાશે અને મોડી રાત્રે વરઘોડો પરત ફરશે.
તે પુર્વે રવિવારે મોડી સાંજે વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભગવાનના લગ્ન નિમિત્તે નરસિંહજી મંદિર પાસે ભજન મંડળીઓએ અને મહિલા મંડળોએ લગન ગીતો ગાયા હતા. રવિવારે મોડી રાત સુધી માહોલ જામેલો રહ્યો હતો.નરસિંહજીની પોળમાં રવિવારે રાતે મેળા જેવો માહોલ જામ્યો હતો.
દરમિયાન શહેરના ઘડિયાળી પોળ- વિરાસાની પોળના નાકે આવેલ નરસિંહજી ભગવાનના મંદિરમાં પણ પરંપરા અનુસાર દેવ દિવાળીએ ભગવાનના લગ્ન યોજાય છે. તા.૨૭ નવેમ્બર સોમવારે દેવ દિવાળી નિમિત્તે સવારે ૭ થી બપોરના ૩ સુધી ચાંલ્લા વિધિ યોજાશે. આ દરમિયાન બપોરે ૧૨ વાગ્યે શ્રીજીને પીઠાએ બેસાડવામાં આવશે અને સાંજે ૭ વાગ્યે શ્રીજીના વિવાહ યોજાશે. ચાંલ્લા વિધિ દરમિયાન ભક્તો શ્રીજીને ચાંલ્લો કરીને ચરણ સ્પર્શ કરવાનો લાભ મળશે.