સાંજે સપાટી વધીને ૧૩૫.૮૮ મીટર થઇ નર્મદાડેમ ૯૦ ટકા ભરાઇ જતા હાઇ એલર્ટ મોડ પર
સર્વોચ્ચ સપાટીથી ૨.૮૦ મીટર દૂર દર કલાકે બે ત્રણ સેમી સપાટી વધે છે
રાજપીપળા,સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસ મધ્ય પ્રદેશમાંથી પાણીની વિપુલ આવક થતા ડેમમાં જળસ્તર સતત વધી રહ્યું છે. સોમવારે સવારે ડેમની સપાટી ૧૩૫.૬૫ મીટરને વળોટતા ડેમ હાઇ એલર્ટ મોડ પર આવી ગયો છે. સાંજે ૬ વાગ્યે સપાટી વધીને ૧૩૫.૮૮ મીટર થઇ હતી.
નર્મદા ડેમ ૯૦.૬૪ ટકા ભરાઇ ગયો છે અને તેની સર્વોચ્ચ સપાટી ૧૩૮.૬૮ મીટરથી ૨.૮૦ મીટર દૂર છે. ડેમની સપાટી દર કલાકે બેત્રણ સેમી વધી રહી છે. ઉપરવાસમાંથી પાણીની આવક ૨૯૩૩૮૯ કયસેક થઇ રહી છે.
નદીમાં રીવર બેડ પાવર હાઉસમાંથી ૪૪૧૪૪ કયુસેક, કેનાલ હોડ પાવર હાઉસમાંથી ૨૨૭૨૪ કયુસેક અને ડેમના ૯ ગેટમાંથી ૧૩૫૦૦૦ કયુસેક મળી કુલ ૨૦૧૮૬૮ કયુસેક પાણી જઇ રહ્યું છે. જેથી નદી બે કાંઠે વહેતી થઇ છે. પાણીની સપાટી વધતા મુખ્ય નહેરમાં ડિસ્ચાર્જ વધારીને ૧૮૬૦૩ કયુસેક કરવામાં આવ્યો છે. ઉપરવાસમાંથી આવક ચાલુ હોવાથી ડેમમાં દર કલાકે બે ત્રણ સેમીનો વધારો થઇ રહ્યો છે.
ડેમ હાલ ૯૦.૬૪ ટકા ભરાઇ ચૂકયો છે. વડોદરા,નર્મદા અને ભરૃચ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ રહી કાંઠાના ગામો પર નજર રાખી રહ્યું છે.