નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો તા.૮ એપ્રિલથી પ્રારંભ, એક મહિનો ચાલશે

શહેરાવ-તિલકવાડા વચ્ચે નર્મદા નદી ઉપર હંગામી ધોરણે પૂલ બનશે

Updated: Mar 29th, 2024


Google NewsGoogle News
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો તા.૮ એપ્રિલથી પ્રારંભ, એક મહિનો ચાલશે 1 - image


રાજપીપલા : નર્મદા જિલ્લામાં તા.૮ એપ્રિલથી ૮ મે એક મહિના સુધી મા નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા યોજાશે. લાખોની સંખ્યામાં દેશભરમાંથી શ્રધ્ધાળુઓ ઉત્તરવાહિની પરિક્રમામાં શ્રધ્ધાભેર ભાગ લે છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૃપે તા.૨૮ના રોજ જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારીની આગેવાનીમાં ટીમે સમગ્ર પરિક્રમાના વૈકલ્પિક રૃટનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં શહેરાવ - તિલકવાડા વચ્ચે નદી પર હંગામી ધોરણે કાચો પૂલ બનાવવા નક્કી કરાયું છે.

પરિક્રમાના રૃટ નિરીક્ષણ પૂર્વે કલેકટરે તિલકવાડા મામલતદાર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા - વિચારણા કરી હતી, ત્યારબાદ પરિક્રમા રૃટ ઉપર તિલકવાડા તરફના ઘાટ ખાતે પહોંચી સ્થાનિક આગેવાનો અને સાધુસંતો સાથે ચર્ચા કરી જરૃરી વિગતો મેળવી હતી. પરિક્રમાવાસીઓની સુગમતા અને સલામતી બાબતે ખાસ ભાર મુકાયો હતો. નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગ દ્વારા શહેરાવ અને તિલકવાડા વચ્ચે હંગામી કાચો પૂલ બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી શરતોને આધિન આપી હોવાથી ત્યાં સ્વૈચ્છિક સંગઠનો દ્વારા પૂલ બનશે. આ માટે પણ માહિતી મેળવી સ્થળનું નિરીક્ષણ કર્યું હતું, અને સબંધિતોને જરૃરી સૂચનો કર્યા હતા. આ હંગામી કાચો પૂલ બનતા શ્રદ્ધાળુઓ ચાલીને નદી પાર કરી શકશે.

શ્રધ્ધાળુઓ પગપાળા પૂલ પરથી નદી પાર કરી શકશે : સ્વૈચ્છિક સંગઠનો દ્વારા પૂલ બનાવાશે

તિલકવાડાથી પરિક્રમા પથ ઉપર પસાર થઈ રેંગણ ગામ પાસે આવેલા કીડી મંકોડી ઘાટ ખાતે નાવડીના સંચાલન અંગે નિરીક્ષણ કરી ચર્ચા કરી હતી, પરંતુ નદીમાં પાણી ઉંડુ હોવાથી અને મગર મોટી સંખ્યામાં હોવાના કારણે નદીમાં જોખમ રહેતું હોય છે. શ્રદ્ધાળુઓની સંખ્યા હજારોની રહેતી હોય છે, જેથી યાત્રાળુઓ માટે હોડીઓ મારફતે આવજા કરવું મૂશ્કેલ બને છે. કોઈ પણ જાતની અકસ્માતની ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા ત્રીજા વેકલ્પિક રૃટની વ્યવસ્થા નિર્ધારીત કરાઈ છે.

રામપુરા - કીડી મંકોડી - રેંગણ ઘાટ વચ્ચે નાવડી ચલાવવાની મંજૂરી ન મળે તો તેવા સંજોગોમાં જિલ્લા હીવટી તંત્રે એક વૈકલ્પિક રૃટ નક્કી કર્યો છે. પરિક્રમા પથ ઉપરથી પસાર થઈને પરત રામપુરા કીડી મંકોડી ઘાટ ખાતે શ્રધ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરશે. આ માટેના રૃટનું નિરીક્ષણ ગઈ સાંજે વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. રામપુરા ખાતે શ્રદ્ધાળુઓના વાહનોની પાર્કિંગ સુવિધા, ટ્રાફિક અંગે પણ નિરીક્ષણ કરાયું હતું.

નર્મદા પરિક્રમા અર્થે આવતા શ્રધ્ધાળુઓ વહેલી સવારે રામપુરા ગામે કીડી મંકોડી ઘાટ અને શહેરાવ ઘાટ વચ્ચે અંદાજિત ૭ કિ.મી. અને તિલકવાડા ઘાટથી રેંગણઘાટ ૭ કિ.મી.નું અંતર કાપી નદી ઓળંગી રામપુરા ઘાટ પરત આવતા હોય છે. ત્રીજા વૈકલ્પિક રૃટમાં થોડું અંતર વધારે કાપવાનું રહે છે, પણ તે સલામતી માટે જરૃરી છે. યાત્રા સુખરૃપ અને શાંતિપૂર્ણ થાય તેમાં તંત્ર પુરેપૂરો સહયોગ આપશે, તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.

ભાવિકો માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે, પાણી, લાઈટ, આરોગ્ય, સલામતી, એમ્બ્યુલન્સ વાન, ડીઝાસ્ટર ટીમ, સુરક્ષા વ્યવસ્થા, બેરીકેડિંગ, સાઈન બોર્ડ, છાંયડાની વ્યવસ્થા, ચેંજિંગ રૃમ, મોબાઈલ ટોઈલેટ, કંટ્રોલ રૃમ, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વૈચ્છીક સંગઠનો દ્વારા  સેવા કેન્દ્રો વગેરે જેવી બાબતો ઉપલબ્ધ કરાવવા અંગે સ્થાનિક આગેવાનો અને સાધુસંતો સાથે પરારમશ કરાયું હતું. પરિક્રમા રૃટ અંગેની માહિતી ક્યૂ આર કોડ દ્વારા જાણી શકાય તેવી વ્યવસ્થા અંગે સૂચન કર્યું હતું. પરિક્રમાના નોડલ અધિકારી પણ નિયુક્ત કરવામાં આવશે. 

નદીમાં હોડીના સંચાલનની બાબત નીતિ વિષયક હોવાથી સરકાર કક્ષાએથી નિર્ણય થતા બોટ માટેનું આયોજન નક્કી કરી શકાશે. હાલના તબક્કે ત્રીજા વૈકલ્પિક રૃટ માટે નર્મદા પરિક્રમાના આયોજનમાં સૌને સહકાર આપવા કલેકટરે અનુરોધ કર્યો હતો.


Google NewsGoogle News