પાણીની ધરખમ આવક થતા નર્મદા ડેમના ૯ ગેટ ખોલાયા

સાંજે ડેમની સપાટી ૧૩૫.૧૬ મીટરે પહોંચી ઃ ડેમમાંથી દર મિનિટે ૨૩ કરોડ લીટર પાણી નદીમાં ઠલવાય છે

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
પાણીની ધરખમ આવક થતા નર્મદા ડેમના ૯ ગેટ ખોલાયા 1 - image

રાજપીપળા,તા.૧૧ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના ૩૦ પૈકી ૯ ગેટ ચાલુ સીઝનમાં પહેલી વખત ખોલ્યા છે. ડેમમાંતી ૧.૩૫ લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા ૩ જિલ્લાના નદી કાંઠાના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશના ઇન્દિરાસાગરના ૧૨ અને ઓમકારેશ્વરના ૧૫ દરવાજા ખોલી સરદાર સરોવરમાં પાણી છોડતા ડેમમાં સપાટી વધુ જતા રવિવારે સવારે ૬ કલાકે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. સવારે ૬ વાગ્યે પ્રથમ પાંચ દરવાજા સવારે ૬ કલાકે દોઢ મીટરથી ખોલી ૫૦ હજાર કયુસેક પાણી છોડવાનું શરુ કરાયું હતું. એ પછી પણ ડેમની સપાટીને ધ્યાનમાં રાખી ૮ વાગ્યે વધુ ૪ દરવાજા ખોલ્યા હતા. આમ ૯ દરવાજામાંથી ૧૩૪૦૧૧ કયુસેક પાણી છોડવાનું શરુ કરાયું હતું.

ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં પાણીની આવક ૩,૦૯,૧૨૭ કયુસેક થતા ડેમના ૯ દરવાજામાંતી ૯૦ હજાર કયુસેક અને રીવરબેડ પાવર હાઉસમાંથી ૪૩ હજાર કયુસેક પાણી નદીમાં ઠલવાતા હાલ નદી બે કાંઠે વહી રહી છે.

બપોરે ૨ વાગે ડેમની સપાટી ૧૩૫.૦૨ મીટરે પાર કરી ગઇ હતી. જયારે ઇનફલો ઘટીને ૧.૭૫ લાખ કયુસેક થઇ જતા નદીમાં ૪ હજાર કયુસેક પાણી છોડવાનું ઘટાડયું હતું. ડેમ ૮૭.૯૨ ટકા ભરાઇ ચુકયો છે.

 સાંજે ૬ વાગે ડેમની લેવલ ૧૩૫.૧૬ મીટર હતું. આવક ૩૦૯૩૫૯ કયુસેક હતી. છેલ્લા ત્રણ કલાકની સરેરાશ આવક ૨૬૮૨૪૫ કયુસેક હતી. એક કયુસેકમાં ૨૮.૩૧૭ લીટર પાણી વહે છે. ૧.૩૪ લાખ કયુસેક પાણી જોતા દર સેકન્ડે ૩૭ લાખ લીટર અને પ્રતિ મિનિટે ૨૨.૮૨ કરોડ લીટર પાણી ડેમમાંથી નદીમાંવહી રહ્યું છે. સાંજે ૬ વાગે નદીમાં ૧૫૭૦૨૫ કયુસેક પાણી ઠલવાઇ રહ્યું હતું.

ડેમમાંથી પાણી છોડાતા સલામતી અને સાવચેતીના ભાગરુપે વડોદરા નર્મદા અને ભરુચ જિલ્લાના કાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.

 તંત્રની તકેદારી સાથે નદી કાંઠે પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ પણ ગોઠવી દેવાયું છે.




Google NewsGoogle News