નર્મદા ડેમની સપાટી સીઝનમાં પહેલી વાર ૧૩૬ મીટરને પાર
હાલ અઢી મીટર સુધી ડેમના ૧૫ દરવાજા ખોલાયા, ૪૨ ગામો સતર્ક કરાયા
રાજપીપળા,ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેતા પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. સીઝનમાં પ્રથમવાર ડેમની સપાટી ૧૩૬ મીટરને પાર થઈ છે.
ઉપરવાસમાંથી ૩,૪૭,૮૯૧ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા નદીમાં કુલ ૩,૧૭,૦૧૪ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. સાંજે ડેમની સપાટી ૧૩૬.૦૩ મીટરે પહોંચી હતી. ઉપરવાસથી આવક ચાલુ રહેતા લેવલ જાળવી રાખવા માટે ડેમના ૧૫ દરવાજા ૨.૫૦ મીટર સુધી ખોલી નાખવામાં આવ્યા છે.
હાલ તંત્ર દ્વારા વડોદરા, ભરૃચ અને નર્મદા જિલ્લાના ૪૨ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી બે કાંઠે ભરપૂર વહી રહી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે.