Get The App

ભારતના અને સ્પેનના વડાપ્રધાનના રુટ પર ૭૦ વાહનોના કાફલા સાથે રિહર્સલ કરાયું

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
ભારતના અને સ્પેનના વડાપ્રધાનના રુટ પર ૭૦ વાહનોના કાફલા સાથે રિહર્સલ કરાયું 1 - image

વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝનું વડોદરામાં આગમન થાય તે પહેલા આજે વડોદરા એરપોર્ટથી લઈને એરક્રાફ્ટ કોમ્પ્લેક્ષ સુધીના અઢી કિલોમીટરના રુટ પર રોડ શોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.આ રિહસર્લમાં બંને વડાપ્રધાનોના કાફલામાં જોડાનારા વાહનો સહિતના ૭૦ વાહનો સામેલ થયા હતા.

વડાપ્રધાન મોદી અને સ્પેનના પીએમ  સાન્ચેઝ દ્વારા તા.૨૮ ઓકટોબર, સોમવારના રોજ સી-૨૯૫ પ્રકારના એરક્રાફ્ટ બનાવવા માટેના ટાટા-એરબસના એરક્રાફટ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરવાના છે.આ કાર્યક્રમની શરુઆત સવારના ૧૦ વાગ્યાથી થશે.મળતી વિગતો પ્રમાણે આજે મોડી રાતે સ્પેનના પીએમ સાન્ચેઝનું વડોદરામાં આગમન થશે.તેઓ અલકાપુરી વિસ્તારની હોટલમાં રોકાનાર છે.તેમના વડોદરા એરપોર્ટથી હોટલ સુધીના રુટ પર  પણ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.હોટલ પણ કિલ્લામાં ફેરવી દેવાઈ છે.જ્યાં લગભગ ૧૫૦ જેટલા પોલીસ કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે.

બીજી તરફ  સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે સાંજે વડોદરા આવી પહોંચ્યા હતા.જ્યારે પીએમ મોદી આવતીકાલે, સવારે ૯-૪૫ વાગ્યે એરપોર્ટ પર આવશે અને તેઓ ત્યાંથી એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ જશે.બંને પીએમ એક સાથે એર ક્રાફ્ટ કોમ્પ્લેક્સ પર પહોંચે તેવી પણ શક્યતા છે.પીએમ મોદી અને પીએમ સાન્ચેઝ  ઉદઘાટન બાદ હાજર લોકોને ટુંકુ સંબોધન પણ કરનાર છે.આ કાર્યક્રમમાં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે તેવું જાણવા મળ્યું છે.

ઉદઘાટન સમારોહ બાદ ભારત અને સ્પેનના પીએમ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે જશે.જ્યાં બંને દેશ વચ્ચે અલગ અલગ ક્ષેત્રમાં સહયોગ માટે એમઓયુ થશે.પીએમ મોદી અને પીએમ  સાન્ચેઝ લક્ષ્મી વિલાસ પેલેસમાં જ રાજવી પરિવાર સાથે ભોજન કરશે.

બસો ઓછી થઈ જતા મુસાફરો હેરાન પરેશાન 

વડાપ્રધાનના કાર્યક્રમ માટે ભીડ ભેગી કરવા ૧૦૦ જેટલી એસટી બસો ડાયવર્ટ કરાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના પીએમ પેડ્રો સાન્ચેઝના આવતીકાલે, સોમવારના કાર્યક્રમને અનુલક્ષીને ભીડ ભેગી કરવા માટે તંત્ર દ્વારા ધમપછાડા કરવામાં આવી રહ્યા છે.એરક્રાફટ કોમ્પ્લેક્સના સ્થળે લોકોને લાવવા માટે શહેર અને જિલ્લાના ધારાસભ્યોને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને દરેક વિધાનસભા વિસ્તારમાંથી લોકોને લાવવા માટે એસટી બસો ફાળવવામાં આવી છે.એસટી વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે, કુલ મળીને ૧૦૦ જેટલી બસો કાર્યક્રમ માટે ડાયવર્ટ કરવામાં આવી છે અને જેની અસર આજથી જ જોવા મળી હતી.એક તરફ દિવાળીના કારણે લોકોનો વતન જવા માટે ધસારો છે અને બીજી તરફ અચાનક જ ૧૦૦ બસો ઓછી થઈ જતા આજે એસટી ડેપો પર ભારે ભીડ અને બસમાં ચઢવા માટે ધક્કા મુક્કી જોવા મળી હતી.આકરી ગરમીમાં વગર વાંકે લોકો હેરાન પરેશાન થયા હતા.

કોન્વોય પસાર થાય ત્યાં સુધી જ રસ્તો બંધ રખાશે 

એમ્બ્યૂલન્સ જેવા ઇમરજન્સી વાહનોને રોકવામાં નહીં આવે

રિહર્સલ ચાલતું હતું ત્યારે પણ એક એમ્બ્યૂલન્સને રસ્તો આપવામાં આવ્યો

વડાપ્રધાનની વડોદરા મુલાકાત દરમિયાન શહેરના કોઇ જ રોડ વાહન વ્યવહાર માટે  સંપૂર્ણ પણે બંધ રાખવામાં નહીં આવે. માત્ર કોન્વોય  પસાર થતા સુધી જ રોડ બંધ કરવામાં આવશે. જેની સામે વૈકલ્પિક રૃટ  પણ આપવામાં આવ્યો છે.

ભારત અને સ્પેનના વડાપ્રધાન અલકાપુરીની  હોટલ તથા સાંઇદિપનગર ટાટા એરક્રાફ્ટ સ્ટેશન તથા લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે  આવવાના છે. જેને અનુલક્ષીને  હરણી એરપોર્ટથી  શરૃ થતા સમગ્ર રૃટ પર રોડની બંને બાજુ ૨૦૦ મીટર સુધી તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.ડીસીપી જ્યોતિ  પટેલે જણાવ્યું છે કે, આ રોડ પર માત્ર કોન્વોય  દરમિયાન જ વાહન વ્યવહાર બંધ રાખવામાં આવશે. એમ્બ્યૂલન્સ જેવા ઇમરજન્સી વાહનોને તો કોન્વોય દરમિયાન પણ જવા દેવામાં આવશે. 

આજે પણ રિહર્સલ દરમિયાન માણેક પાર્ક સર્કલ નજીક એક એમ્બ્યુલન્સ આવતા કોન્વોયની એક ગાડી રોકી અધિકારીએ એમ્બ્યૂલન્સ માટે રસ્તો કરી આપ્યો હતો.  આ ઉપરાંત એરપોર્ટ પર જનાર લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા રાખવામાં આવી છે.



Google NewsGoogle News