Get The App

ઇમ્યુનસેલમાંથી એવા 'નેનો પાર્ટિકલ્સ' છૂટા કરાયા જે બ્રેસ્ટ કેન્સરને ખતમ કરશે

વડોદરાના વૈજ્ઞાનિક ડો. પાર્થ દેસાઇનું અમેરિકાની નોર્થ કેરોલિના યુનિર્વિટીમા મહત્ત્વનું સંશોધન

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
ઇમ્યુનસેલમાંથી એવા 'નેનો પાર્ટિકલ્સ' છૂટા કરાયા જે બ્રેસ્ટ કેન્સરને ખતમ કરશે 1 - image
ડો. પાર્થ દેસાઇ લેબમાં કામ કરતા નજરે પડે છે

વડોદરા : કેન્સરનો ઇલાજ શોધવા માટે વિશ્વભરના વૈજ્ઞાાનિકો કામે લાગ્યા છે ત્યારે આ ક્ષેત્રમાં મુળ વડોદરાના અને હાલમાં અમેરિકા ખાતે નોર્થ કેરોલિના એગ્રીકલ્ચર એન્ડ ટેકનિકલ સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રોજેક્ટ લીડ તરીકે સેવા આપતા ડો. પાર્થ હેમંતભાઇ દેસાઇએ બ્રેસ્ટ કેન્સર સંબંધિત નોંધપાત્ર સંશોધન કર્યુ છે. તેમણે યુનિવસટી ઓફ નોર્થ કેરોલિના, ગ્રીન્સબોરો કેમ્પસ સ્થિત સ્કૂલ ઓફ નેનોસાયન્સ એન્ડ નેનોએન્જિનિયરિંગ ખાતે આ સંશોધન કર્યું છે.

ડો.પાર્થ દેસાઇ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે 'વર્ષ ૨૦૩૦ સુધીમાં બ્રેસ્ટ કેન્સર સ્ત્રીઓમાં સૌથી વધુ નિદાન કરાયેલ કેન્સર બની શકે છે. કેન્સરના દૈત્યને નાથવા માટે બહારથી અપાતી દવાઓ અને થેરાપીના બદલે વૈજ્ઞાાનિકો ઇમ્યુનથેરાપી તરફ વળ્યા છે. શરીરની રોગપ્રતિકારક શક્તિને જ કેન્સરના કોષ સામે લડવા કામે લગાડવાની પધ્ધતિ એટલે ઇમ્યુન થેરાપી. મેં પણ આ ક્ષેત્રમાં કામ કર્યું છે અને મહત્ત્વપૂર્ણ સફળતા મળી છે.'

ડો. પાર્થ દેસાઇને પ્રિ ક્લિનિકલ સ્ટેજમાં સફળતા મળી, આ સંશોધન હાલમાં બ્રેસ્ટ કેન્સર પૂરતું જ કરવામાં આવ્યું છે

'માનવના શરીરમાં શ્વેતકણોનો એક પ્રકાર છે જેને 'મેક્રોફેજ' તરીકે ઓળખવામાં આવે છે.'મેક્રોફેજ' સુક્ષ્મજીવોને ઘેરીને મારી નાખે છે, મૃત કોષોને દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે એટલે તેને ઇમ્યુન સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે.'મેક્રોફેજ'માંથી મેંે એવા કુદરતી નેનો પાર્ટિકલ્સ (એક્સ્ટ્રાસેલ્યુલર વેસિકલ્સ) છૂટા કર્યા છે, જે બ્રેસ્ટ કેન્સરના સોલિડ ટયુમરના સેલને મારવાની ક્ષમતા ધરાવે છે. એવુ કહી શકાય કે આ નેનો પાર્ટિકલ્સ કેન્સરને મટાડે તેવી કુદરતી શક્તિ છે. આ નેનો પાર્ટિકલ્સ ઇમ્યુન સેલમાંથી છૂટા થઇને કેન્સરના સેલમાં જઇને તેને નષ્ટ કરવાનો સંદેશો આપે છે. કેન્સર સપોર્ટિંગ સેલને કેન્સર કિલિંગ સેલમાં પરિવર્તિત કરી દે છે. આ પ્રયોગ લેબમાં બ્રેસ્ટ કેન્સરની સેલ લાઇન ઉપર થયો છે, જેમાં સફળતા મળી છે. જો કે આ પ્રારંભિક (પ્રિ ક્લિનિકલ) સંશોધન છે. હવે પછી મારા સંશોધન દ્વારા એનિમલ સ્ટડી અને ક્લિનિકલ સ્ટડી થાય પછી તે થેરાપી તરીકે પ્રસ્થાપિત થઇ શકે. ટૂંકમાં કહું કે બ્રેસ્ટ કેન્સરને કુદરતી રીતે જ હરાવવા માટે આશાનું કિરણ પ્રગટયું છે.' ઉલ્લેખનીય છે કે પાર્થ દેસાઇએ બેચલર ડિગ્રી એમ.એસ.યુનિવર્સિટીમાંથી મેળવી છે. તેઓ અહી સેલ એન્ડ મોલેક્યૂલ્સ બાયોલોજી અભ્યાસક્રમની પ્રથમ બેચ (વર્ષ ૨૦૧૨)ના વિદ્યાર્થી હતા.


મોડિફિકેશન વગર જ નેનો પાર્ટિકલ્સને કેન્સરને મારવા માટે કાર્યરત કરી શકાય છે 

કેન્સરની અત્યાર સુધીની પરંપરાગત સારવાર પધ્ધતિમાં કીમો થેરાપી જાણીતી છે. તેનું નુકસાન એ છે કે તે કેન્સરના જ નહી પરંતુ અન્ય સારા સેલને પણ મારી નાખે છે એટલે દર્દીનું જીવન નરક બની જાય છે. પાછલા કેટલાક વર્ષોથી વૈજ્ઞાાનિકો ટાર્ગેટ થેરાપી પર કામ કરી રહ્યા છે. ઇમ્યુન સેલમાંથી નેનો પાર્ટિકલ છુટ્ટા કરવાની પધ્ધતિ નવી નથી. અત્યાર સુધી ઇમ્યુન સેલમાંથી છુટ્ટા કરાયેલા નેનો પાર્ટિકલ્સને મોડિફાઇ કરીને ડ્રગ્સ ડિલિવરી વ્હિકલ તરીકે ઉપયોગ થતો આવ્યો છે. મેં જે સંશોધન કર્યુ છે તે એવું છે કે નેનો પાર્ટિકલસને મોડિફિકેશન કર્યા વગર જ કેન્સરના કોષોને મારવા માટે કાર્યરત કરી શકાય છે, તેમ ડો. પાર્થ દેસાઇએ કહ્યું હતું.


Google NewsGoogle News