MSUના સંશોધકોએ તુલસી અને લીમડામાંથી બેકટેરિયાનો નાશ કરે એવા નેનો પાર્ટિકલ્સ બનાવ્યાં
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ તુલસી અને લીમડાનો ઉપયોગ કરીને બેકટેરિયાનો ખાત્મો બોલાવી શકે તેવા મેટાલિક નેનો પાર્ટિકલ્સ વિકસાવ્યા છે.જે સર્જિકલ ટેક્ષ્ટાઈલ બનાવવામાં ભારે ઉપયોગી સાબિત થઈ શકે છે.
ટેક્ષ્ટાઈલ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોને તાજેતરમાં જ ભારત સરકારની પેટન્ટ ઓફિસે આ સંશોધન બદલ પેટન્ટ પણ એનાયત કરી છે.વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.ભરત પટેલના માર્ગદર્શન હેઠળ પીએચડી સ્ટુડન્ટ મુર્તુઝા ચણીવાળાએ આ કોરોનાકાળ દરમિયાન આ સંશોધન હાથ ધર્યુ હતુ.લેબોરેટરીમાં કરેલા ઘણા અખતરા બાદ તેઓ કોપર મેટાલિક નેનો પાર્ટિકલ્સ બનાવી શક્યા છે.
અધ્યાપક ડો.ભરત પટેલ કહે છે કે, દવાખાનામાં ડોકટરો અને બીજા કર્મચારીઓ ગાઉન, એપ્રન, માસ્કનો ઉપયોગ કરતા હોય છે અને આ વસ્તુઓ પર ચોક્કસ પ્રકારનો કેમિકલ પ્રોસેસ કરવામાં આવતો હોય છે.જેથી દવાખાનામાં કાપડના સંપર્કમાં આવનારા બેકટેરિયાનો નાશ થઈ જાય અને તેના કારણે ઈન્ફેક્શન લાગવાનો ખતરો ના રહે.આ પ્રકારના કાપડને સર્જિકલ ટેક્ષ્ટાઈલ તરીકે પણ ઓળખવામાં આવે છે.અમે આ કાપડમાં ઉપયોગમાં લઈ શકાય તે માટે ઈકોફ્રેન્કલી કોપર મેટાલિક નેનો પાર્ટિકલ્સ બનાવ્યા છે. નેનો પાર્ટિકલ્સ બનાવવા માટે અમે તુલસી અને લીમડાનો પણ ઉપયોગ કર્યો છે.બજારમાં ઉપલબ્ધ બીજા કોપર મેટાલિક નેનો પાર્ટિકલ્સ કરતા આ નેનો પાર્ટિકલ્સ અનેક ગણા સસ્તા છે.ડો.પટેલે વધુમાં કહ્યું હતુ કે, લેબોરેટરીમાં આ નેનો પાર્ટિકલ્સનો ઉપયોગ કરીને બનાવેલા કાપડ પર અમે કરેલા અખતરામાં તે બેકટેરિયા અને વાયરસનો ખાતમો બોલાવવામાં અસરકારક હોવાનુ પૂરવાર થયુ હતુ.આ કાપડ ધોઈને ફરી- ફરીને ઉપયોગમાં પણ લઈ શકાય છે.આ કાપડ બનાવ્યા બાદ અમે પેટન્ટ માટે અરજી કરી હતી.લગભગ ચાર વર્ષ સુધી ચાલેલી કાર્યવાહી બાદ ૨૦ એપ્રિલે અમને પેટન્ટ એનાયત કરવામાં આવી છે.
રુમ ટેમ્પરેચર પર પ્રોડકશન કરવામાં સફળતા
ડો.પટેલે કહ્યુ હતુ કે, ઈકો ફ્રેન્ડલી નેનો પાર્ટિકલ્સ એટલા માટે કહી શકાય કે અમે તેને રુમ ટેમ્પરેચર પર જ બનાવવામાં સફળતા મેળવી છે.સામાન્ય રીતે મેટાલિક નેનો પાર્ટિકલ્સ બનાવવા માટે હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રિસિટી, પ્લાઝમા કે કેમિકલની જરુર પડતી હોય છે.આમ અમે બનાવેલા નેનો પાર્ટીકલ્સમાં વધારે એનર્જી વપરાતી નથી.આ નેનો પાર્ટિકલ્સમાં તુલસી અને લીમડાનો ઉપયોગ પણ અમે કર્યો છે.
બજારમાં મળતા નેનો પાર્ટિકલ્સ કરતાં અનેક ગણી ઓછી કિંમત
યુનિવર્સિટીના સંશોધકોએ બનાવેલા મેટાલિક નેનો પાર્ટિકલ્સ કિંમતની રીતે પણ ઘણા સસ્તા છે.હાલમાં બજારમાં ૧૦ ગ્રામ કોપર નેનો પાર્ટિકલ્સ ૧૦૦૦૦ થી ૧૨૦૦૦ રુપિયે ઉપલબ્ધ છે.તેની સામે આ નેનો પાર્ટિકલ્સના ૧૦ ગ્રામ જથ્થો બનાવવામાં માત્ર ૨૦૦ થી ૩૦૦ રુપિયા જેટલો ખર્ચ થયો છે.૧૦૦ ગ્રામ મટિરિયલમાં લીમડા અને તુલસીમાંથી બનેલા ૦.૧ ગ્રામ નેનો પાર્ટિકલ્સનો જ જથ્થો ઉમેરવાનો રહે છે.
૯૬ ટકા સુધી બેકટેરિયાનો ખાત્મો બોલાવવામાં સક્ષમ
લેબોરેટરીમાં સંશોધકોએ સામાન્ય રીતે હોસ્પિટલમાં જોવા મળતા બે પ્રકારના બેકટેરિયાનો ઈકો ફ્રેન્ડલી નેનો પાર્ટિકલ્સથી બનાવેલા કાપડ પર પ્રયોગ કર્યો હતો અને તેમાં ૯૬ ટકા જેટલા બેકટેરિયા ખતમ થઈ ગયા હતા.સંશોધકોનો દાવો છે કે, આ કાપડને ૬૫ વખત ધોવામાં આવ્યુ હતુ અને ત્યાં સુધી તેના પરના ૭૦ ટકા બેકટેરિયાનો ખાતમો થયો હતો.