ખંભાતના નાના કલોદરા અને મોતીપુરા ગામે દબાણો હટાવાયા
રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કર્યા બાદ
સરકારી તથા ગામતળની જમીન અને ઘર પાસે કરાયેલા દબાણો પર બુલડોઝર ફેરવ્યું
આણંદ: ખંભાતના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી પડતર અને ગામતળની જગ્યાઓમાં કરાયેલા દબાણો સહિત જાહેર માર્ગને બાનમાં લઈ દબાણ કરાતા માર્ગો સાંકળા બન્યા હોવાની રજૂઆત સ્થાનિકો દ્વારા સ્થાનિક તંત્રથી લઈ રાજ્ય સ્વાગત કાર્યક્રમોમાં ઉચ્ચ અધિકારીઓ સમક્ષ કરાતા ખંભાતના નાના કલોદરા અને મોતીપુરા ગામે સરકારી જમીન, ગામતળની જમીન તેમજ ઘરો પાસે કરાયેલા દબાણો ગુરુવારે તંત્ર દ્વારા દૂર કરાયા હતા.
ખંભાતના નાના કલોદરા ગામે થયેલા દબાણો બાબતે રાજુભાઈ નવીનચંદ્ર રાઠોડ દ્વારા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ દબાણકર્તાઓને સ્વયંમ દબાણો દુર કરવા નોટીસ પાઠવવામાં આવી હતી. જો કે, કોઈ કાર્યવાહી ન કરાતા આખરે પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી સહિત ઈન્ચાર્જ સરપંચ દ્વારા રોહિતવાસમાં તેમજ અન્ય સરકારી જમીનમાં કરાયેલા ગેરકાયદે દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરી હતી.
જેમાં ૬ જેટલા ઘરોની આગળ ચોકડી, ઓટલા, પતરાના શેડ તેમજ સરકારી જમીન અને ગામતળના ૨ જેટલા ઉકરડા ઉપર બુલડોઝર ફેરવી દબાણો દુર કરી માર્ગ ખુલ્લા કરાયા હતા.
જો કે દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવાયો હતો પરંતુ પોલીસ તંત્રના બંદોબસ્ત વચ્ચે કોઈપણ જાતના વિઘ્ન વિના દબાણો દુર કરાયા હતા.
તેમજ ખંભાતના મોતીપુરા ગામે સરકારી પડતર, ગામતળની ૨૭૭વાળી જગ્યામાં તાર ફેન્સીંગ મારી ગેરકાયદે દબાણો દુર કરવા અંગે કમલેશભાઓઈ રતિલાલ સોલંકી દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાને લઈ તંત્ર દ્વારા તે જગ્યામાં થયેલી તાર ફેન્સિંગ દબાણોને દુર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. તેમજ ગામના રસ્તાઓ પાસે કરાયેલા દબાણો અને પતરાંના શેડ સહિતના દબાણોને દુર કરી દબાણો ન કરવા સૂચના આપવામાં આવી હતી.