વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદે નલિન પટેલ વિજયી
જનરલ સેક્રેટરી પદે રિતેશ ઠક્કર, જોઇન્ટ સેક્રેટરી પદે મયંક પંડયા અને ટ્રેઝરર પદે નિમિષા ધોત્રે વિજેતા
વડોદરા : બરોડા બાર એસોસિએશન એટલે કે વડોદરા વકીલ મંડળની આજે યોજાયેલી ચૂંટણીમાં વકીલોનો ઉત્સાહ જોવા મળ્યો હતો જેના કારણે કુલ મતદાન ૮૧ ટકાને પાર થઇ ગયુ હતું. મતગણતરીનો પણ મોડી સાંજે પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો અને મોડી રાત્રે મહત્વના ચાર હોદ્દાઓના પરિણામોની જાહેરાત થઇ હતી. બાકીના પરિણામો શનિવારે જાહેર થશે.
આજે ચૂંટણીમાં ૩,૦૦૦ કરતા વધુ સભ્યો પૈકી ૨,૪૩૦ જેટલા સભ્યોએ મતદાન કર્યુ હતું. પ્રમુખ પદ પર વર્તમાન પ્રમુખ નલિન ડી. પટેલ અને પૂર્વ પ્રમુખ હસમુખ કે.ભટ્ટ વચ્ચે સીધો જંગ હતો.નલિન પટેલને ૧૨૯૦ અને હસમુખ ભટ્ટને ૧૧૦૦ મત મળ્યા હતા. ૩૦ મત નોટામાં પડયા હતા જ્યારે ૧૩ મત કેન્સલ થયા હતા. આમ નલિન પટેલનો સતત બીજી ટર્મમાં વિજય થયો હતો તેઓ ૧૯૦ મતની પાતળી સરસાઇથી જીત્યા છે.
જ્યારે જનરલ સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી અને ટ્રેઝરર માટેની ચૂંટણીમાં મત ગણતરીના શરૃઆતના તબક્કાથી જ પરિણામ એક તરફુ રહ્યું હતું. જનરલ સેક્રેટરી પદે રિતેષ ઠક્કરને ૧૭૦૩ અને શિતલ ઉપાધ્યાયને ૬૧૮ મત મળ્યા હતા. ૧૦૮૫ જેટલા મોટા માર્જિનથી રિતેષ ઠક્કરનો વિજય થયો હતો. જ્યારે જોઇન્ટ સેક્રેટરી પદે મયંક પંડયાનો પણ અનિલ રાણા સામે ૯૩૬ મતની સરસાઇથી તથા ટ્રેઝરર પદે અનિલ પૃથી સામે નિમિષા ધોત્રેનો ૩૮૮ મતની સરસાઇથી વિજય થયો હતો.