પ્રતાપ વિલાસ પેલેસને 'GSV'ને લિઝ પર આપવાના નિર્ણયનો NAIR કર્મચારીઓનો વિરોધ
NAIR ના કર્મચારીઓએ રાજ્યકક્ષાના રેલમંત્રીને આવેદનપત્ર આપીને વિરોધ કર્યો, બન્ને સંસ્થાઓને અલગ રાખવા માગ
વડોદરા : લાલબાગ વિસ્તારમાં પ્રતાપ વિલાસ પેલેસમાં કાર્યરત નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટયૂટને વર્ષ ૨૦૨૨માં સેન્ટ્રલ યુનિવસટીઝ (એમેન્ડમેન્ટ) બિલ અને ગેઝેટ નોટિફિકેશન દ્વારા નવી સેન્ટ્રલ યુનિવર્સિટી 'ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય' તરીકેનો દરજ્જો અપાયો છે.
દરમિયાનમાં નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે (એનએઆઇઆર)ના ૯૧ કર્મચારીઓએ રેલમંત્રી દર્શના જરદોશને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે અગાઉ રેલવે સ્ટાફ કોલેજ તરીકે ઓળખાતી આ એકેડમી મુળભૂત રીતે રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપે છે અને લગભગ ૭૨ વર્ષથી પ્રતાપવિલાસ પેલેસ કેમ્પસમાં કાર્યરત છે. કેન્દ્ર સરકારે 'ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય'ની જાહેરાત કરી ત્યારે નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવેના કેમ્પસ પ્રતાપવિલાસ પેલેસમાં અસ્થાયી રૃપે સંચાલિત કરવાની યોજના હતી કે જ્યાં સુધી તેનું પોતાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન બને. એનએઆઇઆર એ સમય સમય પર ગતિ શક્તિ યુનિવર્સિટીનેહાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી લોજિસ્ટિક સપોર્ટ પણ પૂરો પાડયો છે.
એનએઆઇઆર કર્મચારીઓનું કહેવું છે કે અમને તાજેતરમાં જાણવા મળ્યું કે પ્રતાપવિલાસ કેમ્પસને ગતિ શક્તિ યુનિવર્સિટીને લીઝ પર આપવાનો પ્રસ્તાવ છે. અચાનક લેવાયેલા આ નિર્ણયથી અમને આશ્ચર્ય થયુ છે.એનએઆઇઆરનું મુખ્ય મથક વડોદરા ખાતે ૧૦૯ વર્ષ જૂના પ્રતાપ વિલાસ પેલેસ કેમ્પસમાં કાર્યરત છે અને ૭૨ વર્ષથી ગુજરાત રાજ્યમાંથી રાષ્ટ્રની સેવા કરે છે અને દર વર્ષે ભારતીય રેલ્વેના સરેરાશ ૮૦૦૦ અધિકારીઆને તાલીમ આપે છે. એનએઆઇઆરમાં હાલમાં વિવિધ કેટેગરીમાં ૧૨૪ કર્મચારીઓ છે જેઓ વિવિધ તાલીમ અને લોજિસ્ટિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે. એટલે એનએઆઇઆર કર્મચારીઓની માગ છે કે પ્રતાપવિલાસ કેમ્પસને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયને ભાડે આપવા માટેની દરખાસ્ત ભારતીય રેલ્વેના અધિકારીઓ અને 'નેશનલ એકેડમી ઓફ ઈન્ડિયન રેલ્વે'ની ટ્રેનિંગ ઈકોસિસ્ટમ માટે અને કર્મચારીઓ માટે પ્રતિકૂળ છે. તેથી, ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયને અલગ કેમ્પસ ફાળવવામાં આવે.
એનઆરટીઆઇ માટે એનએઆઇઆરના સ્ટાફ ક્વાર્ટર તોડી પડાયા હતા
કર્મચારીઓએ આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે એનએઆઇઆર એક અલગ સંસ્થા હોવાથી આ સંસ્થાના કર્મચારીઓ અગાઉ તેમના પરિવારો સાથે પ્રતાપવિલાસ કેમ્પસમાં રહેતા હતા. વર્ષ ૨૦૧૮ માં, નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટયૂટ બનાવવા માટે એનએઆઇઆર કર્મચારીઓના કવાર્ટર તોડી પાડવામાં આવ્યા હતા અને કમનસીબે કર્મચારીઓને કેમ્પસની બહાર ધકેલી દેવામાં આવ્યા હતા. આ આડેધડ નિર્ણયને કારણે, કર્મચારીઓ અને તેના પરિવારને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે ત્યારથી એનએઆઇઆર કર્મચારીઓ તેમના પરિવાર સાથે વડોદરામાં ખાનગી આવાસમાં રહે છે.
એક જ કેમ્પસમાં બે સંસ્થાઓના કારણે કામગીરી પર સીધી અસર થશે
આવેદનપત્રમાં કર્મચારીઓએ ઉલ્લેખ કર્યો છે કે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (જીએસવી)એ વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જીએસવીમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં દર વર્ષે વધારો થશે. આ દ્રષ્ટીએ પ્રતાપવિલાસ કેમ્પસની જગ્યા જીવીએસ અને એનએઆઇઆર એમ બન્ને સંસ્થાઓ માટે પર્યાપ્ત નહીં હોય. વધુમાં,આ કેમ્પસને જીએસવીને ભાડે આપવાથી એનએઆઇઆરના મુખ્ય કાર્ય, કર્મચારીઓ, અને રેલવે અધિકારીઓ, વિદેશીથી તાલીમ માટે આવતા નાગરિકો અને ખાનગી સંસ્થાઓની તાલીમ પર પ્રતિકૂળ અસર પડશે. તેથી, કેમ્પસ લીઝ પર આળવાનો નર્ણય બંને સંસ્થાઓ માટે ફાયદાકારક રહેશે નહીં.