નાગા બાવાના સ્વાંગમાં આવેલો ગઠિયો વેપારીના ૧૩ હજાર પડાવીને ફરાર

એક આરોપી ઝડપાતા ૧૦ હજાર કબજે : અન્ય બે સાગરીતોની શોધખોળ

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
નાગા બાવાના સ્વાંગમાં આવેલો ગઠિયો વેપારીના ૧૩  હજાર પડાવીને ફરાર 1 - image

 વડોદરા,નાગા બાવાના સ્વાંગમાં દુકાનદારને છેતરીને રોકડા ૧૩ હજાર લઇને ભાગી જનાર ઠગ ત્રિપુટી પૈકી એક આરોપીને વાડી  પોલીસે ઝડપી પાડી તેની પાસેથી રોકડા ૧૦ હજાર કબજે લીધા છે.

ડભોઇની ચુનીલાલ પાર્ક સોસાયટીની બાજુમાં અમી પાર્ક સોસાયટીમાં  રહેતા રાજન પ્રફુલ્લભાઇ સોલંકી સોમા તળાવ ચાર રસ્તા પાસે ક્રોસ રોડ બિલ્ડિંગમાં પિક્સ આર્ટ નામની દુકાનમાં  પ્રિન્ટિંગનું કામ કરે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૨ જી એ બપોરે બાર વાગ્યે હું તથા મારો ભાઇ મેહુલ દુકાને હતા. તે દરમિયાન એક રિક્ષા અમારી દુકાનની બાજુમાં આવીને ઉભી રહી હતી. તે રિક્ષામાંથી એક નાગો બાવો ઉતરીને દુકાન પર આવ્યો હતો. જેથી, મેં નાગા બાવાને ૨૦ રૃપિયા આપવા ગયો હતો. નાગા બાવાએ મને કહ્યું કે, મારે પૈસા નથી જોઇતા હું પૈસા લેવા માટે આવ્યો નથી. નાગા બાવો અમારી દુકાનમાં અંદર આવ્યો હતો. તેણે કમરના ભાગે લોખંડની ચેન પહેરી હતી. તે ચેનમાં રૃદ્રાક્ષ રાખ્યો હતો. તેમાંથી એક રૃદ્રાક્ષ મને અને એક રૃદ્રાક્ષ મારા ભાઇને આપ્યો હતો. ત્યારબાદ નાગા બાવાએ કહ્યું કે, તમે દુકાનમાં જે પૈસા છે.તે બહાર કાઢો. જેથી, મેં ડ્રોવરમાંથી પૈસાનો ડબો બહાર કાઢી ટેબલ પર મૂક્યો હતો. તેમાંથી ૨૦ રૃપિયા કાઢી નાગા બાવાને આપવા  ગયો હતો. પરંતુ, તેણે  રૃપિયા લીધા નહતા. પરંતુ, નાગા બાવાએ ડબામાં મૂકેલી ૫૦૦ ના દરની ૧૩ હજારની નોટો લઇને મોંઢામાં મૂકી દીધી હતી. તેણે બે વખત કહ્યું કે, ખાઇ જઉં. મને લાગ્યું કે તેઓ ખાલી પૂછતા હશે. જેથી, મેં હા પાડી હતી. મારી વાત સાંભળીને નાગા બાવો તરત જ ઉભો થઇને દુકાનમાંથી બહાર નીકળી ગયો હતો. દુકાનની બહાર ઉભેલી રિક્ષામાં બેસીને તે જતો રહ્યો હતો.

દરમિયાન, વાડી પોલીસ સ્ટેશનના  પી.એસ.આઇ. જી.એન. ચૌહાણે  ટેકનિકલ સર્વેલન્સના આધારે  તપાસ  હાથ ધરતા એક આરોપી ઝડપાઇ  ગયો હતો. પોલીસે આરોપી સુરમનાથ ધમાનાથ મદારી ( રહે. સન  ફાર્મા રોડ, વડોદરા, મૂળ રહે. ખડાલ ગામ, તા. કઠલાલ, જિ.ખેડા)  પાસેથી રોકડા ૧૦ હજાર કબજે લીધા છે. જ્યારે અન્ય બે સાગરીતોની શોધખોળ  હાથ ધરી છે.


Google NewsGoogle News