ગાર્ડ ઓફ ઓનર, મંત્રોચ્ચાર અને ઢોલ નગારા સાથે નેકની ટીમનું સ્વાગત
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીને નેકનુ રેટિંગ આપવાના ભાગરુપે ઈન્સ્પેક્શન માટે આવેલી નેક ટીમને ખુશ કરવામાં સત્તાધીશોએ કોઈ કસર બાકી રાખી નહોતી.
નેકની ટીમે ત્રણ દિવસની મુલાકાતના પહેલા દિવસની શરુઆત યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતેથી કરી હતી.જ્યાં નેકની ટીમના સભ્યોને એનસીસી કેડેટસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ.પરફોર્મિંગ આર્ટસના વિદ્યાર્થીઓએ ઢોલ નગારા પર ડાન્સ કરીને અને સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ મંત્રોચ્ચાર તથા તિલક દ્વારા નેક ટીમના સભ્યોનુ સ્વાગત કર્યુ હતુ.
યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને પણ તેમના દેશના ધ્વજ સાથે હાજર રાખવામાં આવ્યા હતા.નેક ટીમમાં સાત સભ્યોનો સમાવેશ થાય છે.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે અને એ બાદ ઈન્ટરનલ ક્વોલિટિ એસ્યોરન્સ સેલના વિભાગનુ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યુ હતુ.
નેકની ટીમે આજે ટેકનોલોજી, મેનેજમેન્ટ, હોમસાયન્સ, કોમર્સ તેમજ આર્ટસ ફેકલ્ટીની મુલાકાત લઈને ફેકલ્ટીઓ અંગે વિવિધ જાણકારી મેળવી હતી.દરેક ફેકલ્ટીમાં ડીન્સ દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યુ હતુ.ટીમે હંસા મહેતા લાઈબ્રેરી, કોમ્પ્યુટર સેન્ટર તેમજ હેડ ઓફિસના વિવિધ વિભાગોની પણ મુલાકાત લીધી હતી.હંસા મહેતા લાઈબ્રેરીમાં નેકની ટીમના સભ્યોએ વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી.
સાંજે નેકની ટીમના સભ્યોને પ્રભાવિત કરવા માટે પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં સ્ટુડન્ટસે રાસ ગરબા અને બીજા કાર્યક્રમો રજૂ કર્યા હતા.