નેકની ટીમે કંગાળ સ્ટુડન્ટ- ટીચર રેશિયો અને ઓછા પ્લેસમેન્ટ પર સવાલ કર્યા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં નેકની ટીમે આજથી ઈન્સ્પેક્શનની શરુઆત કરી હતી.નેકની ટીમના સભ્યોએ આજે ઈન્સ્પેક્શનના ભાગરુપે તમામ સિન્ડિકેટ સભ્યો અને ફેકલ્ટી ડીન્સ સાથે બેઠક પણ યોજી હતી.જોકે આ બેઠકમાં વાતચીત દરમિયાન નેકની ટીમના સભ્યોએ કેમ્પસમાં કંગાળ સ્ટુડન્ટ-ટીચર રેશિયો અને વિદ્યાર્થીઓના ઓછા પ્લેસમેન્ટની નોંધ લીધી હતી.
વાતચીત દરમિયાન નેકના સભ્યોને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને સિન્ડિકેટ સભ્યોએ સ્પષ્ટતા કરી હતી કે, યુનિવર્સિટી પગાર માટે ૧૦૦ ટકા સરકાર પર આધારિત છે અને સરકારના આદેશ પ્રમાણે જ ભરતી કરવાની હોય છે.જેની અસર અધ્યાપકો અને વિદ્યાર્થીઓના રેશિયો પર પડતી હોય છે.
જોકે કમિટિના સભ્યોએ યુનિવર્સિટીની કામગીરી પર સરકારના આટલી હદે પ્રભાવ અંગે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ અને સાથે સાથે સવાલ પણ કર્યો હતો કે, યુનિવર્સિટી હંગામી અને કોન્ટ્રાક્ટ પરના અધ્યાપકોના આધારે કેવી રીતે ચાલી શકે? અધ્યાપકોને જો ઓછો પગાર આપવાનો હોય તો શિક્ષણની ગુણવત્તા પણ કેવી રીતે જાળવી શકાય?
કમિટિએ યુનિવર્સિટીની લાઈબ્રેરી ૨૪ કલાક ચાલુ હોય છે કે કેમ તે પણ સવાલ કર્યો હતો અને સાથે સાથે ઘણા અધ્યાપકો કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમના પ્રમોશનથી વંચિત હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.આમ નેકની ટીમના સભ્યો યુનિવર્સિટીમાં આવતા પહેલા પૂરતો અભ્યાસ કરીને આવ્યા હોવાની અથવા તો તેમને યુનિવર્સિટીના પ્રશ્નો અઁગે કોઈએ પૂરતી જાણકારી આપી હોવાની છાપ ઉભી થઈ હતી.આ બેઠકમાં હાજર એક સિન્ડિકેટ સભ્યનુ કહેવુ હતુ કે, યુનિવર્સિટીના ઘણા હકારાત્મક પાસે છે પણ આશ્ચર્યજનક રીતે નેકની ટીમના એક પણ સભ્યે આવા એક મુદ્દા પર ચર્ચા કરી નહોતી.