અકસ્માતમાં એક હાથ ગુમાવનાર મુસ્કાને ૬૩ ટકા સાથે એમબીબીએસની પરીક્ષા પાસ કરી

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
અકસ્માતમાં એક હાથ ગુમાવનાર મુસ્કાને ૬૩ ટકા સાથે એમબીબીએસની પરીક્ષા પાસ કરી 1 - image

વડોદરાઃ અકસ્માતમાં એક હાથ ગુમાવનાર મુસ્કાન શેખે આખરે ડોકટર બનવાનુ પોતાનુ સ્વપ્ન પુરુ કરીને ૬૩ ટકા સાથે એમબીબીએસની પરીક્ષા પાસ કરી છે.હવે તે ઈન્ટર્નશિપ કરશે.

પ્રબળ પુરુષાર્થ, મકક્મ મનોબળ અને દ્રઢ નિર્ધાર સાથે મુસ્કાને ડોકટર બનવાનો મુકામ હાંસલ કર્યો છે.મુસ્કાન આઠમા ધોરણમાં ભણતી હતી ત્યારે તે સ્કૂલમાંથી પ્રવાસે ગઈ હતી.બસ રસ્તામાં પલટી ખાઈ જતા ઘણા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને તેમાં મુસ્કાનનો પણ સમાવેશ થતો હતો.મુસ્કાને પોતાનો જમણો હાથ ગુમાવી દીધો હતો.

મુસ્કાને જોકે ડોકટર બનવાના પોતાના સપનાને જીવંત રાખવા માટે કોઈ પણ પ્રયાસ કરવા માટે તૈયાર હતી.જમણો હાથ ગુમાવ્યા બાદ તેણે ડાબા હાથે લખવાની પ્રેક્ટિસ શરુ કરી હતી.એ પછી તેણે ધો.૧૦માં ૯૪ ટકા, ધો.૧૨માં ૮૧ ટકા મેળવ્યા હતા.

૨૦૧૮માં તેને વડોદરા  મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો હતો.ગઈકાલે જ તેનુ એમબીબીએસનુ પરિણામ જાહેર થયુ છે.૬૩ ટકા સાથે મુસ્કાને એમબીબીએસ કર્યુ છે.તે કહે છે કે, મારે તો પીજી નીટ આપીને એમડીની ડિગ્રી પણ મેળળવી છે.આ માટે હું તૈયારીઓ પણ કરી રહી છું.અભ્યાસ દરમિયાન એક હાથ નહીંં હોવાથી મુશ્કેલીઓ પડી હતી પણ તકલીફોથી હું ટેવાઈ ચુકી છું.સાથે ભણતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ પણ મને મદદ કરી હતી.ન્યૂ વીઆઈપી રોડ પર રહેતી મુસ્કાનના પિતા અબ્દુલ રહીમ અહેમદ શેખ અને માતા પણ સ્કૂલ શિક્ષક છે અને તેમણે મુસ્કાને ભણાવવામાં કોઈ કસર બાકી રાખી  નથી.

મુસ્કાનને પ્રવેશ માટે કાયદાકીય લડાઈ પણ લડવી પડી હતી 

એમબીબીએસના અભ્યાસ માટે મુસ્કાનને કાયદાકીય લડાઈ પણ લડવી પડી હતી.ધો.૧૨માં નીટ પરીક્ષા આપ્યા બાદ તે એમબીબીએસમાં પ્રવેશ મેળવવા માટે ક્વોલિફાય થઈ હતી પણ એમસીઆઈ અને કમિટિ ફોર પ્રોફેશનલ અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન કોર્સિસ દ્વારા તેને એક જ હાથ હોવાનુ કારણ આગળ ધરીને પ્રવેશ આપવાનો ઈનકાર કરાયો હતો.તેની સામે મુસ્કાના પિતા પહેલા હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટ સુધી લડયા હતા અને સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ મુસ્કાનને ૨૦૧૮માં વડોદરા મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો હતો.


Google NewsGoogle News