પ્રેમિકાની ગળું કાપી ઘાતકી હત્યા કર્યા બાદ પ્રેમીનો ફાંસો ખાઇ આપઘાત
પ્રેમીએ સોશિયલ મીડિયામાં મેસેજ કર્યો તારી આત્માને શાંતિ આપે મેં મર્ડર કર્યું છે અને પોલીસ જંગલ ખુંદી વળી
શહેરા તા.૮ શહેરા તાલુકાના લીંબોદ્રા ગામે ગઇકાલે સાંજે ગુમ થયેલા પ્રેમીપંખીડાની લાશો જંગલમાંથી મળી હતી. પ્રેમીએ ધારદાર ચપ્પા વડે પ્રેમિકાનું ગળું કાપી ઘાતકી હત્યા કરી પોતે પણ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લીંબોદ્રા ગામે આવેલા નિશાળ ફળિયામાં રહેતી ૧૯ વર્ષની શિતલ પરમાર અને તે જ ગામના ૨૨ વર્ષના વિજય પરમારની આંખો મળી હતી. શિતલ હાલોલ ખાતે આવેલી એમ.જી.મોટર્સમાં નોકરી કરતી હતી. ગઇકાલે તે હાલોલથી પોતાના ઘરે લીંબોદ્રા ખાતે સાંજના સમયે આવતી હતી એ વખતે વિજય તેને લઈને ભાગ્યો હતો આથી શિતલના પિતાએ શહેરા પોલીસને જાણ કરતા શહેરા પોલીસે પ્રેમીપંખીડાની શોધખોળ હાથ ધરી હતી.
બંનેની શોધખોળ દરમિયાન સોશિયલ મીડિયામાં મૃતક વિજયે તેની અને શિતલના ફોટા સાથે અને નીચે મૃત હાલતમાં શિતલનો ફોટો મૂકી પોસ્ટ વાયરલ કરી હતી,જેમાં મારી ગોડી તારી આત્મા ને આપે......મેં મર્ડર કર્યું છે અને મારી આત્માને પણ શાંતિ આપે, આથી પોલીસ લીંબોદ્રા ગામે આવેલી નદીથી લઈ લીંબોદ્રા, ધાણીત્રા અને ચાંદણગઢ આ ૩ ગામની સીમાઓને સ્પર્શતું જંગલ આવેલું છે ત્યાં શોધખોળ હાથ ધરી હતી. ગઇકાલે રાત્રિથી શોધખોળ બાદ આજે બપોરે ૪ વાગે જંગલની વચ્ચે એક વૃક્ષ પર વિજયનો ગળા ફાંસો ખાધેલી હાલતનો મૃતદેહ જોવા મળ્યો હતો તો પાસે જ શિતલનો પણ મૃતદેહ મળ્યો હતો.
શિતલનું ગળું કોઈ ધારદાર હથિયાર વડે કાપી નાખવામાં આવ્યું હતું. પોલીસના પ્રાથમિક તારણ મુજબ વિજયે શીતલ મારી નહિ તો કોઈ બીજાની પણ થવા નહીં દઉ એવા ઝનૂન સાથે ધારદાર ચપ્પા વડે ગળું કાપી તેની હત્યા કર્યા બાદ પોતે પણ પાસે આવેલા વૃક્ષ પર ગળાફાંસો ખાઈ પોતાના જીવનનો પણ અંત આણ્યો હતો. બનાવના પગલે જંગલમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડયા હતાં. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.