સાહિત્યના ૬૦ વિદ્યાર્થીઓએ વાંચનને ટેવ પડે તે હેતુથી લાયબ્રેરીની મુલાકાત લીધી
હંસા મહેતા લાયબ્રેરીમાં રહેલી બરોડા સ્ટેટની દુર્લભ પુસ્તકોનું ડિજિટલાઈઝેશન કરાશે
એમ.એસ.યુનિ.માં રસરુચિ સપ્તાહની ઉજવણી
વડોદરા, તા. ૭ જાન્યુઆરી૨૦૨૦, મંગળવાર
એમ.એસ.યુનિ.ના ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓને સાહિત્ય ભણવામાં રસ અને રુચિ કેળવાય તેમજ સર્જનાત્મક્તા તરફ આગળ વધે તે હેતુથી ૨૦૧૨થી રસરુચિ સપ્તાહની ઉજવણી કરાઈ છે. જેમાં પ્રથમવાર પુસ્તકાલય પરિચય એટલે કે હંસા મહેતા લાયબ્રેરીની મુલાકાતનું આયોજન કરાયું હતું.
ગુજરાતી વિભાગમાં વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત છ દિવસીય કાર્યક્રમમાં પઠન, પુસ્તકાલય પરિચય, કૃતિ આસ્વાદ, ગુજરાતી સાહિત્યની પ્રશ્નોત્તરી, મેટની શો અને અભિવ્યક્તિનું આયોજન કરાયું છે. ગુજરાતીમાં માસ્ટર કરી રહેલા વિદ્યાર્થીએ કહ્યું કે, મોટા ભાગના વિદ્યાર્થીઓ હંસા મહેતા લાયબ્રેરીનો ઉપયોગ કરતા જ નથી જેથી તેમનામાં સાહિત્યના વાંચનની ટેવ કેળવાય તેમજ રિસર્ચ માટે પુસ્તકોનો ઉપયોગ કરી શકે તે હેતુથી લાયબ્રેરીની મુલાકાતનું આયોજન કરાયું હતું. જેમાં લાયબ્રેરીના સ્ટાફે અમને જણાવ્યું કે, ૨૦૧૬ના સર્વે પ્રમાણે ભારતની ૧૦ મોટી લાયબ્રેરીમાં એમ.એસ.યુનિ.ની હંસા મહેતા લાયબ્રેરીને સાતમું સ્થાન મળ્યું છે. ૧૦માંથી આ એકમાત્ર જ યુનિ.માં આવેલી મોટી લાયબ્રેરી છે. ૧૯૫૦માં ૨૫ હજાર પુસ્તકો સાથે લાયબ્રેરીની શરુઆત થઈ હતી અત્યારે ૬ લાખથી પણ વધુ પુસ્તકો અહી છે.
ભવિષ્યના પ્લાન વિશે લાયબ્રેરીના સ્ટાફે વિદ્યાર્થીઓ કહ્યું કે, સર સયાજીરાવ મેમોરિયલ લાયબ્રેરીમાં બે વર્ષમાં એસીની સુવિધા કરાશે. ઉપરાંત દુર્લભ પુસ્તકો અને બરોડા સ્ટેટના પુસ્તકોનું ડિજીટલાઈઝેશન કરવામાં આવશે.