સેનેટની ચૂંટણી યોજતા પહેલા તમામ જાણકારી સરકારને મોકલવામાં આવશે
વડોદરાઃ રાજ્ય સરકારે એમ.એસ.યુનિવર્સિટી સહિતની રાજ્યની તમામ ગ્રાન્ટ ઈન એઈડ યુનિવર્સિટીઓને આપેલા આદેશ પ્રમાણે હવે યુનિવર્સિટીઓએ સરકારને તમામ મહત્વના નિર્ણયો લેતા પહેલા જાણકારી પૂરી પાડવી પડશે.
જેમાં યુનિવર્સિટીમાં સેનેટ તેમજ સિન્ડિકેટ સભ્યોની નિમણૂંકથી લઈને હંગામી તેમજ કાયમી અધ્યાપકો તથા કર્મચારીઓની ભરતી તથા મહત્વના નાણાકીય નિર્ણયનો પણ સમાવેશ થાય છે.જેના પગલે એમ.એસ.યુનિવર્સિટીએ પણ સેનેટની ચૂંટણી અંગેની તમામ જાણકારી રાજ્ય સરકારને પૂરી પાડવી પડશે.
યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યુ હતુ કે, સરકારનો પરિપત્ર યુનિવર્સિટીને પણ મળી ગયો છે અને ડિસેમ્બર મહિનામાં યોજાનારી સેનેટની ચૂંટણી પહેલા તેને લગતી જાણકારી મોકલવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, સેનેટની વિવિધ કેટેગરીની ૪૨ બેઠકો માટે ડિસેમ્બરથી જાન્યુઆરી મહિના દરમિયાન ચૂંટણી યોજાવાની છે અને આગામી દિવસોમાં ય ુનિવર્સિટીના વહિવટીતંત્રને આ જાણકારી સરકારને મોકલવાની કવાયત કરવી પડશે.
સૂત્રોનુ કહેવુ છે કે, યુનિવર્સિટીમાં ૧૫૦૦ કરતા વધારે હંગામી અધ્યાપકો અને કર્મચારીઓ કામ કરે છે અને તેમનો પગાર યુનિવર્સિટી ચુકવે છે.દર વર્ષે તેમની નોકરીના કોન્ટ્રાક્ટ રિન્યૂ થતા હોય છે.સરકારના નવા આદેશ પ્રમાણે હવે યુનિવર્સિટીએ હંગામી નિમણૂંકો કરતા પહેલા પણ સરકારને જાણ કરવી પડશે.સૂત્રોનુ કહેવુ છે કે, જો હંગામી નિમણૂંકોને લઈને પણ રાજ્ય સરકાર વાંધો ઉઠાવશે તો તેના કારણે યુનિવર્સિટીને હંગામી જગ્યાઓ ભરવામાં મુશ્કેલી પડી શકે છે.બીજી તરફ સરકારના નવા નિર્ણયથી વાઈસ ચાન્સેલરની સત્તાઓ પર પણ કાપ આવી શકે છે.