વિદ્યાર્થીઓને સ્પીડ પોસ્ટ મારફતે ઘરે ડિગ્રી મોકલવામાં આવશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ૭૨મો પદવીદાન ક્યારે યોજાશે તેની કોઈ જાહેરાત નથી થઈ પણ ડિગ્રી સર્ટિફિકેટના વિતરણ માટે યુનિવર્સિટી સત્તાધીશોએ મહત્વની જાહેરાત કરી છે.
વિદ્યાર્થીઓ પદવીદાન સમારોહમાં હાજર રહીને અથવા તો હાજર રહ્યા વગર ડિગ્રી મેળવી શકે છે.બંને પ્રકારના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી હેડ ઓફિસ બોલાવીને ડિગ્રીનુ વિતરણ કરવામાં આવતુ હોય છે.આ વર્ષે સત્તાધીશોએ નવી વ્યવસ્થા ગોઠવી છે.
જે પ્રમાણે જે વિદ્યાર્થીઓ સમારોહમાં હાજર રહ્યા વગર ડિગ્રી મેળવવા માંગતા હોય તેમને પદવીદાન સમારોહ બાદ તેમના સરનામા પર ડિગ્રી સ્પીડ પોસ્ટ થકી મોકલવામાં આવશે.ડિગ્રી સર્ટિફિકેટ લેવા માટે તેમને યુનિવર્સિટી હેડ ઓફિસ નહીં બોલાવવામાં આવે.
દરમિયાન સત્તાધીશોએ કરેલી જાહેરાત પ્રમાણે ડિગ્રી મેળવવા માટે વિદ્યાર્થીઓ ૨૫ ઓક્ટોબર સુધી હાજર રહીને અથવા હાજર રહ્યા વગર એમ બેમાંથી એક વિકલ્પ પસંદ કરીને ફોર્મ ભરી શકશે.વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતી વખતે પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને અરજી અપલોડ કરવાની રહેશે.
પાસપોર્ટ સાઈઝનો ફોટો વ્હાઈટ બેકડ્રોપમાં હોવો જરુરી છે.