MSUમાં પાંચ વર્ષના કોન્ટ્રાક્ટર પર અધ્યાપકોની ભરતી કરવા માટે અરજીઓ મંગાવાઈ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર અધ્યાપકોની નિમણૂંક માટેની કવાયત યુનિવર્સિટી સત્તાધીશોએ હાથ ધરી છે.આ માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી છે.અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર રાખવામાં આવી છે.
યુનિવર્સિટીમાં કાયમી જગ્યાઓ ભરવા પર પ્રતિબંધ હોવાથી નેટ, સ્લેટ અને બીજી લાયકાત ધરાવતા અધ્યાપકો માટે તત્કાલીન વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસના કાર્યકાળમાં ૨૦૧૭માં વિવિધ હાયર પેમેન્ટ કોર્સમાં પાંચ વર્ષ માટે કોન્ટ્રાક્ટ પર અધ્યાપકોની નિમણૂંકની નવી કેટેગરી ઉભી કરવામાં આવી હતી.
હવે આવા મોટાભાગના અધ્યાપકોનો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ રહ્યો છે ત્યારે સત્તાધીશોએ જાહેરાત બહાર પાડી છે.જેમાં કયા કયા કોર્સમાં કોન્ટ્રાક્ટ પરના અધ્યાપકોની નિમણૂંક થશે તેની જાણકારી અપાઈ છે પણ કેટલી પોસ્ટ પર નિમણૂંક થશે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
યુનિવર્સિટીના સૂત્રોનુ કહેવુ છે કે, અરજીઓ આવ્યા બાદ દરેક હાયર પેમેન્ટ કોર્સનુ મૂલ્યાંકન કરવામાં આવશે અને જે કોર્સ બરાબર નહીં ચાલતો હોય ત્યાં કોન્ટ્રાક્ટ પરના અધ્યાપકોની નિમણૂંક નહીં કરાય અથવા પહેલા કરતા ઓછી જગ્યાઓ ભરવામાં આવશે.સત્તાધીશોએ હાલમાં માત્ર અરજીઓ મંગાવી છે.ઈન્ટરવ્યૂ લેવાની તારીખ પણ હજી સુધી નક્કી કરાઈ નથી.ઉલ્લેખનીય છે કે, હાયર પેમેન્ટ કોર્સના અધ્યાપકોને દર મહિને ૪૦૦૦૦ થી ૫૦૦૦૦ રુપિયા પગાર આપવામાં આવે છે.આ જાહેરાતમાં જોકે પગારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.હાલના તબક્કે વિવિધ ફેકલ્ટીમાં પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર ૭૦ કરતા વધારે અધ્યાપકો ફરજ બજાવી રહ્યા છે.