MSUનુ સ્ટાર્ટઅપ સેલ વિદ્યાર્થીઓની 13 ટીમોને રૃા.18 લાખની સહાય આપશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના ઈનોવેશન એન્ડ સ્ટાર્ટ અપ સેલ દ્વારા વિદ્યાર્થીઓની ૧૩ ટીમોને સ્ટાર્ટ અપ શરુ કરવા માટે તેમજ પેટન્ટ લેવા માટે ૧૮ લાખ રુપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.આ પહેલા સ્ટાર્ટ અપ સેલ ૨૫ જેટલી ટીમોને સ્ટાર્ટ અપ શરુ કરવા માટે ૨૦ લાખ રુપિયા જેટલી સહાય અગાઉ કરી ચુકયુ છે.હવે વિદ્યાર્થીઓને વધુ ૧૮ લાખ રુપિયાની મદદ પૂરી પાડવામાં આવશે.
આ માટે આવતીકાલે, સોમવારે ટેકનોલોજી ફેકલ્ટીના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગમાં સવારે ૧૧ વાગ્યા સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ નામની એક ઈવેન્ટનુ આયોજન કરવામાં આવ્યુ છે.ઈવેન્ટનુ આયોજન ટેકનોલોજી, ફાર્મસી અને જર્નાલિઝમ એમ ત્રણ ફેકલ્ટીના ઉપક્રમે કરવામાં આવ્યુ છે.જેમાં જર્નાલિઝમ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ સ્ટાર્ટ અપ સાહસિકોની જીવનગાથા પર આધારિત એક નાટક પણ રજૂ કરશે.સાથે સાથે ફેકલ્ટીના મેગેઝિનનુ પણ લોન્ચિંગ કરવામાં આવશે.
મળતી વિગતો પ્રમાણે જે ટીમોને સહાય મળવાની છે તેમાં ફાર્મસી, ટેકનોલોજી અને હોમસાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.આ પૈકી બે ટીમોને પેટન્ટ ફાઈલ કરવા નાણાકીય મદદ અપાશે.જ્યારે બાકીની ટીમોએ વિવિધ પ્રકારની પ્રોડકટસ બનાવી છે.જેમ કે ટેકનોલોજી ફેકલ્ટીની એક ટીમને કપાસના ખેતરમાં કપાસ વીણવા માટે બનાવેલા મશીન માટે તો અન્ય એક ટીમને ગાયના છાણમાંથી મિનરલ્સ અલગ તારવવા માટેની ટેકનોલોજી વિકસાવવા બદલ સહાય આપવામાં આવશે.જ્યારે ફાર્મસી ફેકલ્ટીની એક ટીમને સિઝોફ્રેનિયાની દવા ડેવલપ કરવા માટે ફન્ડિંગ કરવામાં આવશે.હોમસાયન્સની એક ટીમે આઉટોર બેન્ચ બનાવી છે.જેની પણ ફન્ડિંગ માટે પસંદગી કરાઈ છે. કુલ મળીને ૧૧ ટીમોને સ્ટાર્ટ અપની સહાય આપવા પસંદ કરાઈ છે.