Get The App

આ વખતે યુનિ.નો પદવીદાન સમારોહ ડિસેમ્બર પહેલા યોજાવાની તૈયારી

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
આ વખતે યુનિ.નો પદવીદાન સમારોહ ડિસેમ્બર પહેલા યોજાવાની તૈયારી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વર્તમાન વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવની મુદત ફેબુ્રઆરીમાં પૂરી થતી હોવાના કારણે આ વર્ષે યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ સમયસર એટલે કે નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં યોજાય તેવી શક્યતા છે.

યુનિવર્સિટીની અધ્યાપક આલમમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે છેલ્લા ત્રણેક  વર્ષથી યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ ફેબુ્રઆરી કે માર્ચમાં યોજાય છે.આ વર્ષે નવેમ્બર કે ડિસેમ્બરમાં સમારોહ યોજવાની તૈયારીઓ ચાલી રહી છે.સત્તાધીશોને વિદ્યાર્થીઓને ડિગ્રી સમયસર મળે તે માટે પદવીદાન સમારોહ વહેલો યોજવામાં આવી રહ્યો છે તેવુ પણ નથી.કારણ છે કે, ડો.શ્રીવાસ્તવની વાઈસ ચાન્સેલર તરીકેની ટર્મ તા.૯ ફેબુ્રઆરીએ પૂરી થાય છે અને તે પદવીદાન સમારોહ યોજાય તેવુ સત્તાધીશો ઈચ્છી રહ્યા છે.

એવુ પણ કહેવાઈ રહ્યું છે કે, વાઈસ ચાન્સેલર તરીકે ડો.શ્રીવાસ્તવને બીજી ટર્મ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી નથી ત્યારે તેમના કાર્યકાળમાં સમારોહ યોજાય તેવું આયોજન થઈ રહ્યું છે.

આ વર્ષે યુનિવર્સિટીનો ૭૩મો પદવીદાન સમારોહ યોજાશે.જેમાં ૧૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને વિવિધ કોર્સની ડિગ્રી એનાયત થશે.પરીક્ષા વિભાગ દ્વારા  વિદ્યાર્થીઓ માટે ડિગ્રી મેળવવા માટેના ઓનલાઈન ફોર્મ ભરવા માટેનું પોર્ટલ પણ આ વર્ષે વહેલું ઓપન કરી દેવામાં આવ્યું છે.

જોકે યુનિવર્સિટી દ્વારા હજી સુધી પદવીદાન સમારોહની તારીખ જાહેર નથી થઈ.સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કોણ આવશે તે પણ કોઈને ખબર નથી.સમારોહની તારીખ અને હાજર રહેનાર મહાનુભાવનું નામ વાઈસ ચાન્સેલર છેલ્લી ઘડીએ જાહેર કરશે.


Google NewsGoogle News