ચૂંટણીની આચાર સંહિતા પહેલા યુનિ.માં આઉટ સોર્સિંગની નીતિ લાગુ કરવા કવાયત
વડોદરાઃ રાજ્ય સરકાર અને એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશો યુનિવર્સિટીના ખાનગીકરણની દિશામાં એક ડગલુ આગળ વધ્યા છે અને હંગામી કર્મચારીઓની કામગીરીનુ આઉટ સોર્સિંગ કરવા માટે એક કંપનીને જવાબદારી પણ સોંપી દીધી છે.
ગત મહિને મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાઈ ગયો હોવાની ચર્ચા શરુ થઈ હતી પણ હવે જાણવા મળેલી વિગતો પ્રમાણે સરકારના જેમ પોર્ટલ પરથી ટેન્ડર મંગાવીને કંપનીની પસંદગી કરવામાં આવી છે.લગભગ ૭૦ જેટલી કંપનીઓ આઉટ સોર્સિંગનો કોન્ટ્રાક્ટ મેળવવાની સ્પર્ધામાં હતી અને આ પૈકી ગાંધીનગરની એક કંપનીને કોન્ટ્રાકટ અપાયો હોવાની ચર્ચા છે.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટી સત્તાધીશોએ લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં આવે તે પહેલા આઉટ સોર્સિંગની નીતિને અમલમાં મુકવાની પણ કવાયત શરુ કરી છે.આમ હવે યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ૮૦૦ જેટલા કર્મચારીઓનુ ભવિષ્ય આઉટ સોર્સિંગ કરનાર કંપનીના હવાલે થઈ જશે.
સૂત્રોનુ કહેવુ છે કે, સત્તાધીશોએ કંપની સમક્ષ શરત મુકી છે કે, અત્યારે ફરજ બજાવતા કર્મચારીઓને જ નોકરી આપવાની રહેશે પણ છેલ્લો નિર્ણય તો કંપનીનો જ આખરી રહેશે.તેની સાથે સાથે કર્મચારીઓને યુનિવર્સિટી અત્યારે જે પગાર આપે છે તે જ આપવાનો રહેશે પણ આ શરતનો અમલ છેવટે તો કંપનીએ જ કરવાનો છે.આઉટ સોર્સિંગ નીતિ હેઠળ કેટલા કર્મચારીઓની ભરતી કરવાની છે તે સંખ્યા યુનિવર્સિટી સત્તાધીશો નક્કી કરશે અને તે પ્રમાણે કંપની કર્મચારીઓ પૂરા પાડશે.
યુનિવર્સિટીના એક અધિકારીએ કહ્યુ હતુ કે, સરકારે આદેશ કર્યો હતો એટલે અનિચ્છાએ પણ આઉટ સોર્સિંગનો નિર્ણય લેવો પડયો છે.