MSUમાં નવા શૈક્ષણિક વર્ષથી મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એક્ઝિટનો નિયમ લાગુ પડશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિના ભાગરુપે વિવિધ ફેકલ્ટીઓમાં મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એક્ઝિટનો નિયમ પણ નવા શૈક્ષણિક વર્ષથી લાગુ થઈ જશે.
નવી શિક્ષણ નીતિના ભાગરુપે વિદ્યાર્થી પોતાના કોર્સમાંથી અધવચ્ચે અભ્યાસ છોડી શકશે અને ફરી તે અભ્યાસ શરુ પણ કરી શકશે.યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આ સંદર્ભમાં તમામ ફેકલ્ટીઓને એક પરિપત્ર પાઠવવામાં આવ્યો છે.જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એક્ઝિટના ભાગરુપે વિદ્યાર્થી જો ગ્રાન્ટ ઈન એઈડ કોર્સમાં ભણતો હશે તો તે કોર્સ છોડયા બાદ ફરી આ જ કોર્સમાં પ્રવેશ મેળવી શકશે અને તેને હાયર પેમેન્ટ કોર્સમાં એડમિશન નહીં મળે.એ જ રીતે હાયર પેમેન્ટ કોર્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ભણવાનુ છોડી દીધા બાદ ફરી ભણવા માંગતો હશે તો તેને હાયર પેમેન્ટમાં જ પ્રવેશ મળશે.તેને ગ્રાન્ટ ઈન એઈડ કોર્સમાં પ્રવેશ નહીં અપાય.
પરિપત્ર પ્રમાણે ડિગ્રી કોર્સને અધવચ્ચે છોડનાર વિદ્યાર્થીએ ફરી પણ જો તેમાં અભ્યાસ કરવો હશે તો તેણે પ્રવેશ લીધાના વર્ષથી સાત વર્ષની અંદર અભ્યાસ પૂરો કરવાનો રહેશે.આ માટે તેમણે અભ્યાસ છોડયાના ત્રણ વર્ષમાં ફરી પ્રવેશ મેળવી લેવાનો રહેશે.વર્તમાન શૈક્ષણિક વર્ષથી એફવાયમાં નવી શિક્ષણ નીતિ લાગુ થઈ છે.આમ જે વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક વર્ષથી બીજા વર્ષમાં અભ્યાસ કરવાનુ શરુ કરશે તેમના માટે ઉપરોક્ત નિયમ લાગુ થશે.
પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે બીજા વર્ષમાં આવનાર વિદ્યાર્થી જો કોર્સ છોડશે તો તેને એક વર્ષના અભ્યાસ માટે સર્ટિફિકેટ મળશે.એ પછી બે વર્ષનો અભ્યાસ પૂર્ણ કરશે તેમને ડિપ્લોમાનુ સર્ટિફિકેટ મળશે.ત્રીજા વર્ષનો અભ્યાસ પૂરો કરનાર વિદ્યાર્થીને ડિગ્રીનુ અને ચોથા વર્ષનો અભ્યાસ પૂરો કરનાર વિદ્યાર્થીને ડિગ્રી વિથ ઓનર્સનુ સર્ટિફિકેટ મળશે.કોઈ પણ સર્ટિફિકેટ માટે વિદ્યાર્થીએ અગાઉના વર્ષનો અભ્યાસ નાપાસ થયા વગર પૂર્ણ કરેલો હોવો જરુરી છે.વિદ્યાર્થીઓની બેકલોગ માટેની પરીક્ષા વર્ષમાં બે વખત સેમેસ્ટર એન્ડનુ પરિણામ જાહેર થયા બાદ તરત લેવામાં આવશે.