જીકાસ પોર્ટલ થકી પ્રવેશ કાર્યવાહીમાં ફેરફાર કરવા માટે સૂચનો કરાશે
વડોદરાઃ વર્તમાન શૈક્ષણિક વર્ષની પ્રવેશ કાર્યવાહી માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જીકાસ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું.રાજ્યની તમામ ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓમાં આ પોર્ટલ થકી એડમિશન અપાયા હતા.જોકે આ દરમિયાન વાલીઓ અને વિદ્યાર્થીઓને હેરાનગતિ પણ ભોગવવી પડી હતી.
એ પછી હવે શિક્ષણ વિભાગે આગામી વર્ષે પ્રવેશ પ્રક્રિયા વધારે સારી રીતે હાથ ધરી શકાય તે માટે એમ.એસ.યુનિવર્સિટી સહિત વિવિધ યુનિવર્સિટીઓ પાસે સૂચનો મંગાવ્યા છે.યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, જીકાસ પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયાના કારણે ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓમાં પ્રવેશની સંખ્યા ઘટી હોવાનું કહેવાય છે.એમ.એસ.યુનિવર્સિટીમાં પણ દર વર્ષ કરતા આ વષે વિવિધ કોર્સમાં થઈને ૩૦૦૦ થી ૪૦૦૦ ઓછા એડમિશન થયા હોવાનો અંદાજ છે.જોકે યુનિવર્સિટી દ્વારા કોઈ સત્તાવાર આંકડા જાહેર કરાયા નથી.
સૂત્રોનું કહેવું છે કે, જીકાસ અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓને પૂરતી જાણકારી કે માહિતી નહોતી.યુનિવર્સિટીના જ અધ્યાપકો જીકાસની પ્રવેશ પ્રક્રિયાથી વાકેફ નહોતા અને તેઓ પણ વિદ્યાર્થીઓને જાણકારી આપી શક્યા નહોતા.આમ યુનિવર્સિટીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.
હવે શિક્ષણ વિભાગ પણ જાગ્યો છે અને યુનિવર્સિટી પાસેથી પોર્ટલમાં કયા પ્રકારના સુધારા વધારા કરવા જોઈએ તેના સૂચનો મંગાવ્યા છે.એમ.એસ.યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં તેને લઈને એક વિગતસાવર રિપોર્ટ મોકલવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.