નાપાસ વિદ્યાર્થીને ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ નહીં આપવાનો નિયમ બદલવા માટે વિચારણા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિના ભાગરુપે શરુ થયેલા વિવિધ ઓનર્સ કોર્સમાં બીજા સેમેસ્ટરમાં એક પણ વિષયમાં નાપાસ થયેલા એટલે કે એટીકેટી ધરાવતા વિદ્યાર્થી આગળના સેમેસ્ટરમાં અભ્યાસ ના કરી શકે તેવા નિયમની સામે વિરોધ વધી રહ્યો છે. ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન, એનએસયુઆઈ, યસ ગુ્રપ અને એબીવીપીએ એટીકેટીવાળા વિદ્યાર્થીઓને આગળના સેમેસ્ટરમાં અભ્યાસ કરવા દેવાની માગ કરી છે.
આજે એબીવીપી દ્વારા આ મુદ્દે દેખાવો કરવામાં આવ્યા હતા.બીજી તરફ યુનિવર્સિટી સત્તાધીશો અચાનક ઉંઘમાંથી જાગ્યા હતા.આજે રજિસ્ટ્રાર દ્વારા નવી શિક્ષણ નીતિના કો ઓર્ડિનેટર તેમજ ફેકલ્ટી ડીનોની બેઠક બોલાવવામાં આવી હતી.સૂત્રોનું કહેવું છે કે,બીજા સેમેસ્ટરમાં એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓને આગળના સેમેસ્ટરમાં અભ્યાસ નહીં કરવા દેવાનો નિયમ દેશની કોઈ યુનિવર્સિટીમાં નથી તેવો મુદ્દો આ બેઠકમાં ઉઠાવાયો હતો.આજની બેઠકમાં કોઈ નિર્ણય તો નથી લેવાયો પણ સૂત્રોનું કહેવું છે કે, એટીકેટીવાળા વિદ્યાર્થીઓને ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ નહીં આપવાનો નિયમ બદલવા માટે ગંભીર વિચારણા શરુ થઈ છે અને તેને લઈને બહુ જલ્દી નિર્ણય લેવાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ નાપાસ વિદ્યાર્થીઓને ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ આપવાની જગ્યાએ તેમની પૂરક પરીક્ષા લઈને તેમને પાસ થવાનો વધુ એક મોકો આપવાનો નિયમ બનાવ્યો છે.જોકે તેના કારણે ફેકલ્ટીઓ પર વધુ એક પરીક્ષા લેવાનુ બીનજરુરી ભારણ આવી રહ્યું છે.
યુનિવર્સિટીનો દિશાહીન વહીવટ
૨૦૨૩માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે ૨૦૨૪માં નિયમ બનાવ્યો
યુનિવર્સિટીનો વહીવટ દીશાહીન બની ગયો છે.સત્તાધીશો સ્વપ્રશસ્તિમાં રાચી રહ્યા છે.જેના કારણે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે.સૂત્રોનું કહેવું છે કે, ૨૦૨૩માં નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને ઓનર્સ કોર્સમાં પ્રવેશ અપાયો તો ત્યારે તેઓ એક પણ વિષયમાં નાપાસ હશે તો તેમને ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ નહીે મળે તેવી સ્પષ્ટતા કરાઈ નહોતી.એપ્રિલ-૨૦૨૪માં અચાનક જ આ નિયમ બનાવી દેવાયો હતો.કોમર્સ ફેકલ્ટીએ નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં વિલંબ કર્યો તેના કારણે અચાનક આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.સપ્ટેમ્બર મહિનો પૂરો થવા આવ્યો પણ હજી સુધી હજારો વિદ્યાર્થીઓની ત્રીજા સેમેસ્ટરની ફી નથી ભરાઈ.વિદ્યાર્થીઓ સ્કોલરશિપથી માંડી બસ પાસ અને ટ્રેન પાસ, યુનિવર્સિટીની અન્ય સુવિધાઓ માટે અરજી કરી શકે તેવી સ્થિતિમાં પણ નથી.