યુનિ.કેમ્પસમાં નાની-મોટી ૨૦૦ ટાંકીઓની સાફ સફાઈ હાથ ધરાઈ
વડોદરાઃ વડોદરામાં વિશ્વામિત્રીના પૂરના પાણીએ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં પીવાના પાણીની સમસ્યા સર્જી છે.પૂરના કારણે યુનિવર્સિટીની ટાંકીઓના સંપમાં ગંદા પાણી પ્રવેશી ગયા હતા.રોગચાળાના જોખમના કારણે યુનિવર્સિટી સત્તાધીશોએ આ સંપ સહિત ૨૦૦ જેટલી નાની મોટી અન્ડર ગ્રાઉન્ડ અને ઓવર હેડ ટાંકીઓની સફાઈ શરુ કરી છે.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીમાં ૫૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ ક્વાર્ટર્સ અને ટીચર્સ ક્વાર્ટર્સમાં રહેતા સેંકડો કર્મચારીઓ અને અધ્યાપકોના પરિવારો માટેની પાણીની જરુરીયાતને ધ્યાનમાં રાખીને સાત મોટી ટાંકીઓ બનાવવામાં આવી છે.આ ટાંકીઓ માટે અન્ડર ગ્રાઉન્ડ સંપ બનાવાયા છે.પૂરના કારણે સંપમાં કાદવ કીચડ સાથે ગંદુ પાણી પ્રવેશી ગયું હતું.ઉપરાંત સાફ સફાઈ માટેની જરુરિયાતને ધ્યાનમાં રાખીને આ જ ટાંકીઓમાંથી બીજી ટાંકીઓમાં પાણી પહોંચાડવામાં આવ્યું હતું.
જોકે રોગચાળાના ખતરાને ધ્યાનમાં રાખીને છેલ્લા એક સપ્તાહથી ટાંકીઓ સાફ કરવાનુ શરુ કરાયું છે.સૂત્રોના કહેવા પ્રમાણે મોટી ટાંકીઓના અન્ડરગ્રાઉન્ડ સંપ સાફ કરી દેવાયા છે.જેથી પાણીનો સપ્લાય ના ખોરવાય.અત્યાર સુધીમાં ૫૫ ટાંકીઓ સાફ થઈ છે અને બીજી ૧૫૦ જેટલી નાની મોટી ટાંકીઓ સાફ કરવાની કામગીરી ચાલી રહી છે.ઉપરાંત હોસ્ટેલ કેમ્પસ તેમજ ક્વાર્ટર્સની ટાંકીઓમાં નાંખવા માટે સત્તાધીશો દ્વારા ક્લોરિનની ગોળીઓ પણ પૂરી પાડવામાં આવી છે.
અત્યારે વડોદરામાં રોગચાળાની સ્થિતિ છે અને પાણી પણ ડહોળું આવી રહ્યું છે ત્યારે સત્તાધીશો કોઈ ચાન્સ લેવા માંગતા નથી.હોસ્ટેલમાં તાજેતરમાં વિદ્યાર્થીઓ માટે બે દિવસ મેડિકલ ચેક અપનું પણ આયોજન કરાયું હતું.