યુનિ.ના ૨૦૨૪ના કેલેન્ડરના દરેક પેજ પર વીસીના ફોટોગ્રાફ, સેનેટ સભ્યનો વિરોધ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી દ્વારા દર વર્ષે પ્રકાશિત થતા કેલેન્ડર પર સામાન્ય રીતે યુનિવર્સિટીની ઐતહાસિક ઈમારતોના ફોટોગ્રાફ પ્રકાશિત થતા હોય છે.કેલેન્ડર પર સામાન્ય રીતે મહારાજા સયાજીરાવનો, ચાન્સેલરનો અને વાઈસ ચાન્સેલરનો એકાદ ફોટો રહેતો હોય છે.
જોકે ૨૦૨૪ના કેલેન્ડરે યુનિવર્સિટી વર્તુળોમાં ખાસી એવી ચર્ચા જગાવી છે.કારણકે આ કેલેન્ડરના દરેક પાના પર વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવના ફોટોગ્રાફ નજરે પડી રહ્યા છે.યુનિવર્સિટીના ઈતિહાસમાં આ પ્રકારનુ કેલેન્ડર અગાઉ ક્યારેય પ્રકાશિત થયુ નથી. સોશિયલ વર્ક ફેકલ્ટીના સેનેટ સભ્ય કપિલ જોષીએ આ કેલેન્ડર સામે વિરોધ નોંધાવીને યુનિવર્સિટી કેમ્પસમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા પાસે દેખાવો કર્યા હતા.
સેનેટ સભ્યનુ કહેવુ હતુ કે, દરેક પાના પર યુનિવર્સિટીના કાર્યક્રમોના નામે વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવના સૌથી વધારે ૨૮ ફોટા છે.એ પછી રજિસ્ટ્રાર ચૂડાસમાના ૨૦ ફોટોગ્રાફ છે અને ચાન્સેલરના માત્ર નવ ફોટોગ્રાફ છે.જેમના નામની યુનિવર્સિટી છે તે મહારાજા સયાજીરાવના એક માત્ર ફોટોગ્રાફને ખાલી પ્રથમ પેજ પર સ્થાન અપાયુ છે.ફોટોગ્રાફમાં રાજકીય મહાનુભાવો વાઈસ ચાન્સેલર સાથે નજરે પડે છે.
તેમનુ કહેવુ છે કે, આ પ્રકારે પોતાની પ્રસિધ્ધિ કરતુ કેલેન્ડર અગાઉ કોઈ પણ વાઈસ ચાન્સેલરના શાસનકાળમાં પ્રકાશિત થયુ નથી.યુનિવર્સિટીમાં કેલેન્ડરની ડિઝાઈન કરતી કમિટિએ પણ આ પ્રકારના કેલેન્ડરની ડિઝાઈનને મંજૂરી કેવી રીતે આપી તે એક સવાલ છે.આ કેલેન્ડર વાઈસ ચાન્સેલરના પ્રચાર પ્રસારનુ માધ્યમ હોય તેમ લાગી રહ્યુ છે.
ગત વર્ષના કેલેન્ડર અને ડાયરી ધૂળ ખાઈ રહ્યા છે
સેનેટ સભ્યનુ કહેવુ છે કે, યુનિવર્સિટીમાં ગત વર્ષે પણ કેલેન્ડર અને ડાયરી પર વાઈસ ચાન્સેલરના સંખ્યાબંધ ફોટોગ્રાફ મુકવા સામે સિન્ડિકેટ સભ્યોએ ઉગ્ર વિરોધ કર્યો તે પછી કેલેન્ડર અને ડાયરીનુ વિતરણ કરાયુ જ નહોતુ.આજે પણ લાખો રુપિયાના કેલેન્ડર અને ડાયરી યુનિવર્સિટીના પ્રેસમાં ધૂળ ખાઈ રહ્યા છે.એક તરફ યુનિવર્સિટીના લાખો રુપિયા વેડફી નાંખવામાં આવ્યા છે અને બીજી તરફ આ વર્ષે યુનિવર્સિટીના અધ્યાપકો અને કર્મચારીઓને ડાયરીનુ વિતરણ પણ કરવામાં આવ્યુ નથી.