એમ.એસ.યુનિ. સહિતની ૧૯ યુનિ.ના વીસીને કર્નલનો માનદ હોદ્દો અપાયો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સહિત દેશની ૧૯ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરને એનસીસી(નેશનલ કેડેટ કોર્પ્સ)દ્વારા કર્નલનો માનદ હોદ્દો એનાયત કરવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે આ યાદીમાં ગુજરાતમાંથી એક માત્ર એમ.એસ.યુનિવર્સિટી છે અને સાથે સાથે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, બેંગ્લોર યુનિવર્સિટી, ઈન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટી, અન્નામલાઈ યુનિવર્સિટી, ત્રિપુરા યુનિવર્સિટી, પંજાબ યુનિવર્સિટી, એસ એન ડીટી વીમેન્સ યુનિવર્સિટી જેવી દેશના અલગ અલગ રાજ્યોની યુનિવર્સિટીઓનો પણ સમાવેશ થયો છે.
આ તમામ યુનિવર્સિટીઓ વર્ષોથી એનસીસી સાથે જોડાણ ધરાવે છે.જેમાં એનસીસી યુનિટ ચાલે છે.તા.૩૦ એપ્રિલે યોજાયેલા એક સમારોહમાં એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ તથા અન્ય યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોને કર્નલનો માનદ હોદ્દો આપવામાં આવ્યો હતો.
આ હોદ્દો એનાયત કરવા પાછળનો હેતુ ઉપરોકત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા યુવાઓમાં દેશભક્તિ, શિસ્ત અને નૈતિકતાના મૂલ્યોનુ સિંચન કરવા માટે અપાયેલા યોગદાનને સન્માનિત કરવાનો અને પ્રોત્સાહન આપવાનો છે.સૂત્રોનુ કહેવુ છે કે,અત્યાર સુધી સંરક્ષણ દળો દ્વારા ક્રિકેટર ધોની તેમજ સચિન તેંડુલકર અને કપિલ દેવને આ પ્રકારે માનદ હોદ્દો આપવામાં આવ્યો છે.હવે એનસીસીએ પણ શૈક્ષણિક ક્ષેત્ર માટે અપનાવેલી આ પ્રકારની નીતિના કારણે અન્ય કોલેજો અને યુનિવર્સિટીઓને પણ એનસીસી સાથે જોડાણ કરવા માટે અને પોતાના વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જગાડવાના પ્રયાસો હાથ ધરવા માટે પ્રોત્સાહન મળશે.