માંજલપુરના ધારાસભ્યે બાંયો ચઢાવી, વીસી ડો.શ્રીવાસ્તવ યુનિ.ને બાપીકી પેઢી સમજીને નિર્ણયો લે છે

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
માંજલપુરના ધારાસભ્યે બાંયો ચઢાવી, વીસી ડો.શ્રીવાસ્તવ યુનિ.ને બાપીકી પેઢી સમજીને  નિર્ણયો લે છે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.વિજય કુમાર શ્રીવાસ્તવના આદેશથી હોસ્ટેલની મેસ ફીના મુદ્દે આંદોલન કરનાર ૨૦૦  વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ ભાજપના માંજલપુર વિધાનસભાના ધારાસભ્યે વાઈસ ચાન્સેલરની આકરી ઝાટકણી કાઢી છે.

ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યુ હતુ કે, મારી પાસે વિદ્યાર્થીઓ અને વાલીઓ ફરિયાદ લઈને આવ્યા હતા અને મેં ત્રણ થી ચાર વખત ફોન કર્યા પછી પણ વાઈસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવે ફોન ઉઠાવ્યો નહોતો.શૈક્ષણિક સંસ્થાના વડા તરીકે વાઈસ ચાન્સેલરે વિદ્યાર્થીઓ સાથે પિતા તુલ્ય વ્યવહાર કરવાનો હોય છે તેની જગ્યાએ વિજય કુમાર શ્રીવાસ્તવે યુનિવર્સિટી પોતાની બાપિકી પેઢી હોય તેવો વ્યવહાર કરીને પોતાના બાળકો સમાન વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ કરાવી છે.વાઈસ ચાન્સેલરના આ પગલાને હું સખત શબ્દોમાં વખોડી કાઢુું છે.આ આપખુદશાહી ભર્યા નિર્ણયની સામે વોદરાના વાલીઓ અને નાગરિકો ઉગ્ર વિરોધ કરશે તેવુ મારુ માનવુ છે.જે રીતે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે તે જોતા વિજય કુમાર શ્રીવાસ્તવની કારમી હાર થઈ છે તેવુ દેખાઈ રહ્યુ છે.

ધારાસભ્યે આગળ કહ્યુ હતુ કે, પહેલા હાઉસિંગ બોર્ડના ૫૦૦૦ મકાનો તોડવાનો નિર્ણય  અને હવે વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદનો નિર્ણય દર્શાવી રહ્યા છે કે, કેટલાક અધિકારીઓ ભેગા મળીને વડોદરામાં ભાજપ સરકાર સામે વિરોધ કરવા લોકો રસ્તા પર ઉતરે તેવુ ઈચ્છી રહ્યા છે.વિદ્યાર્થીઓ સામેની પોલીસ ફરિયાદ તાત્કાલિક પાછી ખેંચવામાં આવે.

વિદ્યાર્થીઓએ  ઘરમાં તોડફોડ કરી હોવા છતાં 

તત્કાલીન વીસી પ્રો.પારેખે પોલીસ ફરિયાદની ના પાડી દીધી હતી

ભીખુ પારેખે  કહ્યંુ હતુ કે, વિદ્યાર્થીઓ તો મારાં બાળકો છે..તેમની સામે પોલીસ ફરિયાદ ના થાય 

માંજલપુરના ધારાસભ્યે તત્કાલિન વાઈસ ચાન્સેલર અને લોર્ડ પ્રો.ભીખુ પારેખના કાર્યકાળના પ્રસંગને યાદ કરીને કહ્યુ હતુ કે, પ્રો.પારેખ જ્યારે વાઈસ ચાન્સેલર હતા ત્યારે કોઈ મુદ્દે વિદ્યાર્થીઓએ તેમના ઘરના કમ્પાઉન્ડમાં નહીંં, બલ્કે તેમના ઘરમાં ઘૂસીને તોફાન કર્યુ હતુ.પોલીસે સામે ચાલીને વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે તૈયારી બતાવી હતી ત્યારે પ્રો.પારેખે કહ્યુ હતુ કે આ તો મારા બાળકો છે અને તેમની સામે મારાથી પોલીસ ફરિયાદ ના થાય.એક વાઈસ ચાન્સેલર આવા હતા અને એક વાઈસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવ છે.જેમને વિદ્યાર્થીઓ સાથે કોઈ લેવા દેવા જ નથી.તેઓ માત્ર વેપાર કરવા માટે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બન્યા હોય તેમ લાગે છે.


Google NewsGoogle News