Get The App

હંગામી અધ્યાપકનો ચાન્સેલરને પત્ર, વીસીએ સત્તાનો દુરુપયોગ કરીને મારી નિમણૂક થવા દીધી નથી

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
હંગામી અધ્યાપકનો ચાન્સેલરને પત્ર, વીસીએ સત્તાનો દુરુપયોગ કરીને મારી નિમણૂક થવા દીધી નથી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં  હંગામી અધ્યાપકોના ઈન્ટરવ્યૂ બાદ  હેડ અને ડીનની સૂચના અનુસાર સંખ્યાબંધ ઉમેદવારોએ ઓર્ડર વગર જ ભણાવવાનું શરુ કરી દીધું હતુ અને આ પૈકી કેટલાક  કિસ્સામાં બે-બે મહિના સુધી ભણાવનારા  હંગામી અધ્યાપકોની જગ્યાએ અન્ય કોઈને ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા.

આર્કિટેકચર વિભાગમાં  પણ બે મહિના સુધી આ જ રીતે ફરજ બજાવ્યા બાદ ઓર્ડરથી વંચિત રહેલા ઉમેદવાર સૃષ્ટિ પાઠકે  અન્ય ઉમેદવારોની જેમ ચૂપ રહેવાની જગ્યાએ સત્તાધીશો સામે બાંયો ચઢાવી છે.સતત પાંચ વર્ષ સુધી હંગામી અધ્યાપક તરીકે ફરજ બજાવ્યા બાદ આ વર્ષે નિમણૂંક નહીં પામનારા આ અધ્યાપકે ચાન્સેલરને પત્ર લખીને સ્ફોટક આક્ષેપ કરીને કહ્યું છે કે, વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને મારી નિમણૂક થવા દીધી નથી અને મને અન્યાય કર્યો છે.તેની પાછળનુ કારણ એવું છે કે, મારા પિતા અને એજ્યુકેશન ફેકલ્ટીના પ્રોફેસર સતીશ પાઠકે ડો.શ્રીવાસ્તવની વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂકને હાઈકોર્ટમાં પડકારી છે અને આ વાત બધા જ જાણે છે.જેના કારણે તેમણે મારી પસંદગી ના થાય તે માટે ઈન્ટરવ્યૂ લેનાર કમિટિ પર દબાણ કર્યું હોય તેવુ લાગી રહ્યું છે.

ઉમેદવારે પોતાના આક્ષેપના સમર્થનમાં હેડ સાથે થયેલી વાતનુ ઓડિયો- વિડિયો રેકોર્ડિંગ પણ ચાન્સેલરને પૂરાવા તરીકે સુપરત કર્યું છે. સૃષ્ટિ પાઠકે પત્રમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, હેડ અને ડીન સહિત કમિટિના તમામ સભ્યોએ પણ સ્વીકાર્યું છે કે, અમારા પર દબાણ હતું.બાકી તેઓ મારી પસંદગી થાય તેવુ ઈચ્છતા હતા.મને કહેવામાં આવ્યું હતું કે, મેરે હાથમાં હોતા તો હોહી જાતા..મને તેમણે વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરાવવા માટે સલાહ સૂચન આપ્યા હતા.તેઓ જાતે આ મુદ્દે યુનિવર્સિટી સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવા માટે તૈયાર નહોતા.

ઈન્ટરવ્યૂ લેનાર કમિટિએ માપદંડોની ઉપેક્ષા કરી  

ડીને મને કહ્યું હતું કે મારે પણ તપાસ કરવાની બાકી છે 

ઉચ્ચ સ્તરીય તપાસ કમિટિ બનાવવામાં નહીં આવે તો હું કાયદેસરની કાર્યવાહી કરીશ

હંગામી અધ્યાપક સૃષ્ટિ પાઠકે કહ્યું હતું કે, ઓર્ડર નહીં મળ્યા બાદ હું બે વખત ટેકનોલોજી ફેકલ્ટીના ડીન પ્રો.ધનેશ પટેલને મળી હતી અને તેમણે મને કહ્યું હતું કે, આ અંગે  મારે પણ તપાસ કરવાની બાકી છે.ફેકલ્ટી ડીન તરીકે  તેઓ ઈન્ટરવ્યૂ લેનાર કમિટિના ચેરમેન હતા.તેમનો આ પ્રકારનો જવાબ શંકા ઉપજાવે તેવો છે.કમિટિએ નિયત માપદંડોની ઉપેક્ષા કરી છે અને વાઈસ ચાન્સેલરની સીધી સૂચના પ્રમાણે કમિટિએ કામ કર્યું હોય તેવુ ફલિત થઈ રહ્યું છે.મારી ચાન્સેલરને વિનંતી છે કે, નિમણૂકમાં થયેલા અન્યાય બાબતે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવે અને જો મને ન્યાય નહીં મળે તો હું કાયેદસરની કાર્યવાહી કરીશ.


msu-vcmsu

Google NewsGoogle News