યુનિ.ના કેટલાક કાયમી અધ્યાપકો અને કર્મચારીઓને ચૂંટણીમાં ફરજ નહીં સોંપાતી હોવાની રજૂઆત
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના સંખ્યાબંધ કાયમી અધ્યાપકો અને કાયમી કર્મચારીઓને ચૂંટણીમાં ફરજ નહીં સોંપાઈ હોવાની રજૂઆત કેટલાક હંગામી કર્મચારીઓએ કલેકટર કચેરીમાં કરી હોવાની જાણકારી સામે આવી છે.
મળતી વિગતો પ્રમાણે આજે કેટલાક હંગામી કર્મચારીઓ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.તેમણે કહ્યુ હતુ કે, દર વખતે ચૂંટણીમાં હંગામી કર્મચારીઓને ચૂંટણીની ફરજ આપવામાં આવતી હોય છે.આ વખતે પણ એક પણ હંગામી કર્મચારી એવો નથી જેને ચૂંટણીમાં કામગીરી કરવા માટે ઓર્ડર આપવામાં આવ્યો ના હોય પરંતુ કેટલાક કાયમી કર્મચારીઓ અને અધ્યાપકો એવા છે જેમને ક્યારેય ચૂંટણીની ફરજ સોંપવામાં આવતી નથી.
આ કર્મચારીઓેએ પોતાના આક્ષેપના સમર્થનમાં અધ્યાપકો અને કર્મચારીઓની યાદી પણ રજૂ કરી હતી.તેમનુ કહેવુ હતુ કે, આ યાદીમાં સામેલ કર્મચારીઓ તેમજ અધ્યાપકોને ચૂંટણી કામગીરીનો ઓર્ડર અપાયો નથી.કારણકે ચૂંટણીની ફરજ બજાવવા માટે જ્યારે યુનિવર્સિટી સત્તાધીશો પાસે યાદી મંગાવવામાં આવે છે ત્યારે કેટલાક અધ્યાપકો અને કર્મચારીઓના નામ ફેકલ્ટી ડીનો દ્વારા મોકલવામાં આવતા જ નથી અને એટલે તેમને ચૂંટણીની ફરજ બજાવવા માટે ઓર્ડર થતા નથી.આમ ચૂંટણીની કામગીરીમાં પણ યુનિવર્સિટી સ્તરે વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે.દરમિયાન કલેકટર કચેરીના અધિકારીએ તેમને સોમવારે ફરી રજૂઆત કરવા આવવા માટે સૂચના આપી હતી.