યુનિ.માં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા ૩૦ જેટલા અધ્યાપકોનો પગાર અટકાવી દેવાયો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર કામ કરતા ૩૦ જેટલા અધ્યાપકોનો પગાર છેલ્લા બે મહિનાથી અટકાવી દેવામાં આવતા હવે આ અધ્યાપકો માટે ઘર ચલાવવુ પણ મુશ્કેલ થઈ ગયુ છે.
યુનિવર્સિટીમાં હંગામી અધ્યાપકો સિવાય સેલ્ફ ફાઈનાન્સ કોર્સમાં પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર પણ અધ્યાપકોની નિમણૂંક કરવામાં આવતી હોય છે.યુનિવર્સિટીમાં જ્યાં જ્યાં પણ સેલ્ફ ફાઈનાન્સ કોર્સ ચાલે છે ત્યાં આ પ્રકારના કોન્ટ્રાક્ટર પર ફરજ બજાવતા અધ્યાપકો છે.
આ પ્રકારના અધ્યાપકો માટે ૨૦૧૮માં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, જે અધ્યાપકોને ભણાવવામાં પાંચ વર્ષનો અનુભવ થઈ ગયો હશે તેમને ૪૦૦૦૦ રુપિયાની જગ્યાએ પગાર વધારીને ૫૦૦૦૦ રુપિયા કરવામાં આવશે.
એ પછી જે અધ્યાપકોનો પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ હતો તેમનો પગાર વધારવામાં આવ્યો હતો અને યુનિવર્સિટીના એડીઈ વિભાગ દ્વારા આ અધ્યાપકોને તે માટેના ઓર્ડર પર આપવામાં આવ્યા હતા.સૂત્રોનુ કહેવુ છે કે, હવે રહી રહીને યુનિવર્સિટીના ઓડિટ વિભાગને લાગ્યુ છે કે, આવા ૩૦ અધ્યાપકોને ખોટી રીતે પગાર વધારો આપવામાં આવ્યો છે.કારણકે તેમનો માત્ર કોન્ટ્રાક્ટ પરના અધ્યાપક તરીકે પાંચ વર્ષનો અનુભવ થતો નથી.તેમાં અગાઉ હંગામી અધ્યાપક તરીકે બજાવેલી ફરજનો અનુભવ પણ ઉમેરાયો છે.
આમ યુનિવર્સિટીના ઓડિટરે છેલ્લા બે મહિનાથી આ અધ્યાપકોનો પગાર અટકાવી દીધો છે.કોન્ટ્રાક્ટ પરના આ અધ્યાપકો હવે ફેકલ્ટી ડીન્સથી માંડીને યુનિવર્સિટીના અધિકારીઓને પગાર ચૂકવવા માટે વિનંતી કરી રહ્યા છે.મોટાભાગની હાલત પગાર અટકાવી દેવાયો હોવાના કારણે કફોડી બની ગઈ છે.કારણકે આ પૈકીના કેટલાકના તો ઘરના હપ્તા ભરાવાના અટકી ગયા છે.પરિવાર ચલાવવાનુ ટેન્શન પણ વધી ગયુ છે.જોેકે હજી સુધી સત્તાધીશોએ પગાર શરુ કરવા કોઈ કાર્યવાહી કરી નથી.