યુનિ.ના વીસી પદેથી પ્રો.શ્રીવાસ્તવને હટાવવા વરિષ્ઠ અધ્યાપકે પીએમ મોદીને પત્ર લખ્યો

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
યુનિ.ના વીસી પદેથી પ્રો.શ્રીવાસ્તવને હટાવવા વરિષ્ઠ અધ્યાપકે પીએમ મોદીને પત્ર લખ્યો 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.શ્રીવાસ્તવની સામે અવાજ ઉઠાવવાની હિંમત કરનારા એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીના વરિષ્ઠ અધ્યાપક પ્રોફેસર સતીષ પાઠકે હવે પીએમ નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે અને પ્રો.શ્રીવાસ્તવને વાઈસ ચાન્સેલર પદેથી હટાવવા માટે માંગ કરી છે.

વાઈસ ચાન્સેલરની કાર્યશૈલી સામે યુનિવર્સિટીના અધ્યાપકોમાંથી ઘણા અંદરખાને નાખુશ છે પણ કોઈ બોલવા તૈયાર નથી ત્યારે પ્રો.પાઠક એક માત્ર એવા અધ્યાપક છે જેઓ વાઈસ ચાન્સેલરની સામે પડયા છે.તેમણે પોતાના પત્રમાં લખ્યુ છે કે, બહુ દુખ સાથે કહેવુ પડે છે કે, પ્રો.શ્રીવાસ્તવની બિનકાર્યક્ષમતા, અસંવેદનશીલતા, સ્વકેન્દ્રી  વિચારસરણી, વિદ્યાર્થી હિત વિરોધી કાર્યપધ્ધતિ અને નકારાત્મક વલણના કારણે એક સમયની  વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીની અધોગતિ થઈ રહી છે.

પ્રો.પાઠકે વડાપ્રધાન મોદીને સંબોધીને પત્રમાં લખ્યુ છે કે, યુજીસીના નિયમ પ્રમાણે ૧૦ વર્ષથી વધારે પ્રોફેસર તરીકેનો અનુભવ હોય તેવા ઉમેદવારોને પસંદ કરવાની જગ્યાએ સર્ચ કમિટિએ માત્ર ૩ વર્ષનો અનુભવ ધરાવતા પ્રો.શ્રીવાસ્તવની પસંદગી કરી છે.યુજીસીના નિયમોને નેવે મુકીને એક અયોગ્ય વ્યક્તિની નિમણૂંક પાછળના કારણોની તપાસ થવી જોઈએ.પ્રો.પાઠકે આક્ષેપ કર્યો છે કે, વાઈસ ચાન્સેલર તરીકે પ્રો.શ્રીવાસ્તવના કાર્યકાળમાં યુનિવર્સિટીમાં અંધાધૂધીનો માહોલ છે.યુનિવર્સિટીમાં સર્જાયેલી ગંભીર સમસ્યાઓને લઈને બે વખત રાજ્યના મુખ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી પણ તેમના તરફથી આજ સુધી કોઈ જવાબ પણ નથી મળ્યો અને કોઈ કાર્યવાહી પણ નથી થઈ ત્યારે યુનિવર્સિટીના નિષ્ઠાવાન શિક્ષક તરીકે મારી માતૃસંસ્થાની દુર્દશા કરનારા અંગે આપને અવગત કરાવવાની મારી નૈતિક ફરજ છે અને એટલે જ મેં આ ખુલ્લો પત્ર લખ્યો છે.



Google NewsGoogle News