યુનિ.ના પ્રોફેસરે વીસીની શૈક્ષણિક લાયકાત જાણવા માટે અપીલ કરી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.વિજયકુમાર શ્રીવાસ્તવની શૈક્ષણિક લાયકાતની જાણકારી મેળવવા માટે યુનિવર્સિટીની જ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીના વરિષ્ઠ અધ્યાપક પ્રો. સતીષ પાઠકે આરટીઆઈ હેઠળ અરજી કરી હતી.
પ્રો.પાઠકનુ કહેવુ છે કે, ઓગસ્ટ મહિનામાં આરટીઆઈ હેઠળ મેં જાણકારી માંગી હતી.જેનો જવાબ મને એક મહિના પછી પણ યુનિવર્સિટીએ આપ્યો નથી અને તેના કારણે મેં ફરી એક વખત અપીલ કરીને પ્રો.શ્રીવાસ્તવના પ્રોફેસર તરીકેના અનુભવના જે પણ પ્રમાણપત્રો છે તેની પ્રમાણિત નકલો પણ માંગી છે.જો અપીલનો જવાબ નહીં મળે તો હું રાજ્ય સરકારના માહિતી આયોગ સમક્ષ અપીલ કરીશ.
પ્રો.પાઠકે કહ્યુ હતુ કે, યુજીસીના નિયમ પ્રમાણે વાઈસ ચાન્સેલર બનવા માટે પ્રોફેસર તરીકેનો અથવા રાષ્ટ્રીય સંસ્થાનમાં પ્રોફેસરની સમકક્ષના હોદ્દા પર ૧૦ વર્ષનો અનુભવ જરુરી છે.બીજી તરફ પ્રો.શ્રીવાસ્તવની શૈક્ષણિક લાયકાતની જાણકારી મેળવવા માટે થયેલી અન્ય એક આરટીઆઈના જવાબમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના જાહેર માહિતી અધિકારીએ વીસીની નિમણૂંક માટેની સર્ચ કમિટિ સમક્ષ જે તે સમયે રજૂ થયેલા દસ્તાવેજો પૂરા પાડયા છે. તે પ્રમાણે પ્રો.શ્રીવાસ્તવ પ્રોફેસર તરીકે માત્ર ૩ વર્ષનો અનુભવ છે.સર્ચ કમિટિએ બે બીજા ૨ નામ શોર્ટલિસ્ટ કર્યા હતા તેમાં ડો.જગન્નાથ પાટીલનો પ્રોફેસર તરીકે ૨૪ વર્ષ અને પ્રો.મનોજ દિક્ષિતનો ૧૩ વર્ષનો અનુભવ હતો.
તેમણે કહ્યુ હતુ કે, સરકાર ચોથા વર્ગના કર્મચારીની નિમણૂંકમાં પણ લાયકાતમાં કોઈ બાંધછોડ કરતી નથી અને એમ.એસ.યુનિવર્સિટી જેવી વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની નિમણૂંકમાં તમામ નિયમ નેવે મુકી દેવાયા છે.હું તો જરુર પડે તો આ નિમણૂંકને કાયદાકીય રાહે પણ પડકારવાનો છું.