વિધાનસભા ચૂંટણી પ્રચારમાં વિદ્યાર્થી સંગઠનોની બોલબાલા
વડોદરાઃ સામાન્ય રીતે એમ.એસ.યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં વિદ્યાર્થી સંગઠનો પ્રચાર માટે કોચિંગ ક્લાસીસ પર ધામા નાંખતા હોય છે પણ વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પણ હવે કોચિંગ ક્લાસીસ સુધી પહોંચ્યો છે.
વિધાનસભાની ચૂંટણી લડતા એક ઉમેદવારે આજે ૧૮ વર્ષથી વધારે વયના ઉમેદવારોને આકર્ષવાના ભાગરુપે કોચિંગ ક્લાસીસમાં જઈને ચૂંટણી પ્રચાર કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, એકલી એમ.એસ.યુનિવર્સિટીમાં જ પહેલી વખત મતદાન કરનારા ૧૫૦૦૦ જેટલા વોટર્સ છે અને તેમાંથી મોટાભાગના વડોદરા શહેર કે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન કરવાના છે.આ સિવાય બીજી ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓમાં ભણતા અને પહેલી વખત મતદાન કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે.
બીજી તરફ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનોની પણ વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં બોલબાલા જોવા મળી રહી છે.યુનિવર્સિટીમાં કોંગ્રેસ અને ભાજપની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ તેમજ એબીવીપીના આગેવાનો વિવિધ ઉમેદવારોના પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહી છે.વિધાનસભા ચૂંટણી માટે યુનિવર્સિટીમાં કાર્યરત વિવિધ ફેકલ્ટીઓના ૮ જેટલા વિદ્યાર્થી સંગઠનો અલગ અલગ ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
ખાસ કરીને ફેરણીમાં તેમજ રોડ શો અને રેલીઓમાં વધારે સંખ્યા થાય તે માટે વિદ્યાર્થી નેતાઓની પણ ઉમેદવારો મદદ લઈ રહ્યા છે.જેમના થકી સંખ્યાબંધ વિદ્યાર્થીઓને પ્રચારમાં જોડવામાં આવી રહ્યા છે.આમ વિદ્યાર્થી સંગઠનો પણ વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત થઈ ગયા હોવાથી યુનિવર્સિટી હેડ ઓફિસ પર જતા મોરચાની સંખ્યા પણ નહિવત થઈ ગઈ છે.