MSU: વિદ્યાર્થીઓએ 'વેલેન્ટાઇન ડે'ની જગ્યાએ 'બ્લેક ડે'ની ઉજવણી કરી
વડોદરા,તા.14 ફેબ્રુઆરી 2024,બુધવાર
આજે 14 ફેબ્રુઆરીએ ઠેર ઠેર વેલેન્ટાઇન ડેની ઉજવણી થઈ હતી. પ્રેમનો તહેવાર હોવાથી આજે લાલ રંગની બોલબાલા જોવા મળી હતી. લાલ રંગના ગુલાબની ખરીદી થઈ હતી અને ઘણા યુવક યુવતીઓ લાલ રંગના વસ્ત્રો પહેરેલા નજરે પડ્યા હતા.
જોકે એમ એસ યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં વિધાર્થીઓએ વેલેન્ટાઇન ડે ની જગ્યાએ બ્લેક ડે ની ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓ કાળા કપડાં પહેરીને ફેકલ્ટીમાં જોવા મળ્યા હતા.
વિદ્યાર્થીઓનું કહેવું હતું કે આજનાં દિવસે પુલવામામાં ભારતીય સુરક્ષા દળોના જવાનો પર આત્મઘાતી હુમલો થયો હતો અને 40 કરતા વધારે જવાનો શહીદ થયા હતા. તેમને શ્રધ્ધાંજલિ આપવા માટે આજે અમે બ્લેક ડે ની ઉજવણી કરી છે.
સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા વસંત પંચમી હોવાથી ફેકલ્ટીમાં સ્થાપવામાં આવેલી સરસ્વતી માતાની મૂર્તિની પૂજા પણ કરવામાં આવી હતી.