MSUના વિદ્યાર્થીઓનું પ્રવેશ આંદોલન વધુ ઉગ્ર બન્યું : 200 વિદ્યાર્થીઓ સામેના કેસ પાછા ખેંચો : વીસી હટાવો, બંધનું એલાન
M S University Vadodara : વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે શરૂ થયેલા આંદોલન સંદર્ભે કથિત આદેશથી 200 વિદ્યાર્થીઓ સામે થયેલા કેસ પરત ખેંચવામાં નહીં આવે તો આગામી સોમવારે યુનિવર્સિટી બંધનું એલાન આપવાની જાહેરાત થઈ છે.
ઉલ્લેખનીય છે કે, એમ.એસ.યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશનો મુદ્દો પેચીદો બન્યો છે. આ મુદ્દે આંદોલનના મંડાણ થયા છે ત્યારે વિદ્યાર્થી નેતાઓ, પૂર્વ વિદ્યાર્થી નેતાઓ સહિત સેનેટ મેમ્બરો તથા શહેરના અગ્રણીઓ પણ આ આંદોલનમાં જોડાયા હતા.
સ્વ.સયાજીરાવ ગાયકવાડે યુનિવર્સિટીની સ્થાપના કરી તેમનો એકમાત્ર ઇરાદો વડોદરાના વિદ્યાર્થીઓને બહાર ભણવા જવું ન પડે એ હતો. પરંતુ રાજ્યભરની યુનિવર્સિટીઓનું એકીકરણ કરવાનો મુદ્દે રાજ્ય સરકાર દ્વારા કાયદો પસાર થયો છે ત્યારે હવે શહેરના વિદ્યાર્થીઓને મસમોટી ફી ભરીને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. દરમિયાન યુનિવર્સિટી પ્રવેશ આંદોલનને ડામવાના ઇરાદે વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ કરીને આંદોલન ઢીલું પાડવાની નીતિ વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે કરી હોવાના આક્ષેપ છે. જેથી યુનિવર્સિટીના 200 જેટલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. પરિણામે આંદોલનકારીઓ વધુ ભડક્યા છે.
હવે વિદ્યાર્થીઓ દ્વારા વાઇસ ચાન્સેલર શ્રીવાસ્તવ હટાવોનો મુદ્દો વધુ બુલંદ બન્યો છે. આ મુદ્દે 200 વિદ્યાર્થીઓ સામેના કેસ પણ પાછા ખેંચી લેવા વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે, જો આમ નહીં થાય તો આગામી સોમવારે યુનિવર્સિટી બંધનું એલાન જાહેર કરાયુ છે આ અંગેની તમામ જવાબદારીઓ વિશેની રહેશે તેમ પણ વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠને જણાવ્યું છે.