નવા શૈક્ષણિક વર્ષ માટે હંગામી અધ્યાપકોની નિમણૂંક માટે કાર્યવાહી શરુ કરાઈ
વડોદરાઃ કોમન યુનિવર્સિટી એકટ લાગુ થયા બાદ રાજ્યમાં કોમન એડમિશન પોર્ટલ પર સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે ફોર્મ ભરાવાના છે ત્યારે એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ આ બાબતને ધ્યાનમાં રાખીને નવા શૈક્ષણિક વર્ષ માટે વહેલી તકે હંગામી અધ્યાપકોની નિમણૂંક કરવાની કાર્યવાહી શરુ કરી છે.ઉલ્લેખનીય છે કે, દર વર્ષે યુનિવર્સિટીમાં ૫૦૦ કરતા વધારે હંગામી અધ્યાપકોની નિમણૂંક કરવી પડતી હોય છે.
જોકે દર વર્ષે શૈક્ષણિક વર્ષ ચાલુ થઈ જાય તે પછી પણ હંગામી અધ્યાપકોના ઈન્ટરવ્યૂ લેવાનુ ચાલુ રહેતુ હોય છે.આ બાબતને ધ્યાનમાં રાખીને ૨૦૨૪-૨૫ના વર્ષ માટે તમામ ફેકલ્ટીઓમાં હંગામી અધ્યાપકોની નિમણૂંક કરવા સત્તાધીશોએ અત્યારથી જ જાહેરનામુ બહાર પાડયુ છે.જે પ્રમાણે ૧૩ માર્ચથી ઉમેદવારો યુનિવર્સિટીના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.૩૦ એપ્રિલ સુધી ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને એ પછી ઈન્ટરવ્યૂની તારીખ બહાર પાડવામાં આવશે.હંગામી અધ્યાપકોની નિમણૂંક ૧૧ મહિના માટે થશે.
સત્તાધીશોએ હંગામી અધ્યાપકોની નિમણૂંક માટે ઝડપ બતાવી છે અને બીજી તરફ પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પરના અધ્યાપકોના ઈન્ટરવ્યૂ સત્તાધીશોએ લટકાવીને રાખ્યા છે અને આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.જે અધ્યાપકોની પાંચ વર્ષની મુદત પૂરી થતી હતી તેમની પાસે અરજીઓ મંગાવવામાં આવી હતી.જેની છેલ્લા તારીખ ૩૧ ડિસેમ્બર હતી.
આ અધ્યાપકોના ઈન્ટરવ્યૂની તારીખો હજી પણ જાહેર કરાઈ નથી અને તેમને એક-એક મહિનાનુ એક્સ્ટેન્શન અપાઈ રહ્યુ છે.બીજી તરફ ૧૧ મહિનાના સમયગાળા માટે ટીચિંગ આસિસટન્ટ અને ટેમ્પરરી લેક્ચરરની નિમણૂંક માટે કાર્યવાહી શરુ કરવામાં આવી હોવાથી પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પરના અધ્યાપકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.જો સત્તાધીશો તેમના ઈન્ટરવ્યૂ ટાળ્યા કરશે તો તેમની સ્થિતિ વધારે કફોડી બનશે.