યુનિ. દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં સ્ટોલ પાછળ ચાર લાખનો ખર્ચ કરાશે
વડોદરા,શનિવાર
એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ આ વખતે પણ સરકારને ખુશ રાખવા માટે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પોતાનો સ્ટોલ રાખશે.જેના માટે ચાર લાખ રુપિયાનો ખર્ચ કરાશે.આ પૈકી લગભગ ૩ લાખ રુપિયા તો સ્ટોલના ભાડા પેટે ચૂકવવામાં આવશે.
આ માટેનુ બજેટ તાજેતરમાં મળેલી સિન્ડિકેટમાં મંજૂર કરવામાં આવ્યુ છે.જોકે આ ખર્ચો ખાલી સરકારને સારુ લગાડવા માટે જ છે.કારણકે સ્ટોલના કારણે યુનિવર્સિટીને કોઈ ઝાઝો ફાયદો થતો નથી.ખાલી મુલાકાતીઓન જાણકારી આપવામાં આવે છે.
સત્તાધીશોએ બનાવેલી વાઈબ્રન્ટ ગુજરાત કમિટિના કન્વીનર પ્રો. એમ એન પરમારે કહ્યુ હતુ કે સ્ટોલ પર ગત વર્ષે લગભગ ૧૦૦૦૦ મુલાકાતીઓ આવ્યા હતા.આ વર્ષે તેના કરતા વધારે મુલાકાતીઓ આવશે તેવી આશા છે.કારણકે દર વર્ષે યુનિ.ના સ્ટોલ પર આવનારા વિઝિટર્સની સંખ્યામાં વધારો થતો હોય છે.
ઉલ્લેખનીય છે કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરુપે આ વખતે પહેલી વખત દેશ વિદેશની યુનિવર્સિટીઓનુ ઈન્ટરનેશનલ કોન્કલેવ યોજાવાનુ છે.