Get The App

હંગામી કર્મચારીઓને છૂટા કરીને આઉટ સોર્સિંગ એજન્સીમાં ટ્રાન્સફર કરવાની કવાયત તેજ

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
હંગામી કર્મચારીઓને છૂટા કરીને આઉટ સોર્સિંગ એજન્સીમાં ટ્રાન્સફર કરવાની કવાયત તેજ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં કામ કરતા હંગામી કર્મચારીઓને યુનિવર્સિટીમાંથી છૂટા કરીને આઉટ સોર્સિંગ એજન્સીમાં ટ્રાન્સફર કરવાની કવાયત યુનિવર્સિટી સત્તાધીશોએ તેજ કરી દીધી છે.

ઉપરથી આવેલા આદેશના પગલે યુનિવર્સિટી સત્તાધીશો એક જ મહિનાની અંદર ૫૦૦ જેટલા હંગામી કર્મચારીઓનો હવાલો એજન્સીને સોંપી દેશે તેવી ચર્ચા કર્મચારી આલમમાં જોરશોરથી ચાલી રહી છે.આ માટે કર્મચારીઓ પાસે ફોર્મ ભરાવવાની કામગીરી પણ પૂરી કરી દેવાઈ છે.જોકે આઉટ સોર્સિંગના આદેશ સામે કોર્ટમાં ગયેલા ૧૫૦ જેટલા કર્મચારીઓને તેમાંથી બાકાત રખાશે તેવુ પણ કહેવાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રોજીંદા પગાર પર કામ કરતા ૬૦ જેટલા કર્મચારીઓને તો એક મહિના પહેલા જ એજન્સીમાં ટ્રાન્સફર કરી દેવાયા છે.જો સત્તાધીશો કોન્ટ્રાક્ટ પરના હંગામી કર્મચારીઓને પણ એજન્સીના હવાલે કરી દેશે તો યુનિવર્સિટીની કર્મચારી આલમમાંથી હંગામી કર્મચારીઓનો એકડો નીકળી જશે.કેટલાક હંગામી કર્મચારીઓ તો ૧૦ વર્ષ કરતા પણ વધારે સમયથી કોન્ટ્રાક્ટ પર જ કામ કરી રહ્યા છે.

રાજ્યની ભાગ્યે જ કોઈ સરકારી યુનિવર્સિટીએ કર્મચારીઓની કામગીરીનું આ રીતે આઉટસોર્સિંગ કર્યું છે.જોકે સરકારને વહાલા થવા માટે યુનિવર્સિટી સત્તાધીશોએ લગભગ ૬ મહિના પહેલા જ આઉટ સોર્સિંગ માટે એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દીધો હતો.

આઉટસોર્સિંગ એજન્સીમાં જે હંગામી કર્મચારીઓને ટ્રાન્સફર કરાશે તેમનો પગાર કેટલો હશે, તેમનો હોદ્દો શું હશે અને આ જ કર્મચારીઓની નોકરી ચાલુ રહેશે કે નહીં તે અંગે પણ સત્તાધીશો ભારે ગુપ્તતા સેવી રહ્યા છે. કોઈ કર્મચારી પાસે તેની જાણકારી નથી.દરમિયાન આ મુદ્દે જાણકારી મેળવવા માટે રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાનો સંપર્ક થઈ શક્યો નહોતો.



Google NewsGoogle News