એમ.એસ.યુનિ.એ ૧૩૦ એમઓયુની જાણકારી સરકારને મોકલી આપી

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
એમ.એસ.યુનિ.એ ૧૩૦ એમઓયુની જાણકારી સરકારને મોકલી આપી 1 - image

વડોદરાઃ ગુજરાત સરકાર દ્વારા ૧૦ જાન્યુઆરીથી યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરુપે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ પાસેથી તેમણે કરેલા વિવિધ એમઓયુની જાણકારી મંગાવવામાં આવી છે.જેના પગલે એમ.એસ.યુનિવર્સિટીનુ વહિવટી તંત્ર પણ આ જાણકારી આપવા માટે કામે લાગી ગયુ છે.

મળતી વિગતો પ્રમાણે એમ.એસ.યુનિવર્સિટીએ વિવિધ યુનિવર્સિટીઓ સહિતની સંસ્થાઓ સાથે ૧૩૦ જેટલા એમઓયુ કર્યા છે અને આ પૈકી ૮૦ જેટલા એમઓયુ  વિદેશી યુનિવર્સિટીઓ કે સંસ્થાઓ સાથેના છે.યુનિવર્સિટીના સૂત્રોનુ કહેવુ છે કે, સરકારે કેટલા એમઓયુ થયા છે અને કેટલા એમઓયુ આગામી સમયમાં રિન્યૂ થવાના છે તેની જાણકારી માંગી છે અને જે પૂરી પાડવામાં આવી છે.જોકે યુનિવર્સિટીને નવા એમઓયુ કરવા અંગે હજી સુધી શિક્ષણ વિભાગ દ્વારા કોઈ સૂચના મળી નથી.

બીજી તરફ શૈક્ષણિક આલમમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, તમામ યુનિવર્સિટીઓને  વાઈબ્રન્ટ સમિટના ભાગરુપે નવા એમઓયુ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.આ માટે શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં તમામ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલર તેમજ રજિસ્ટ્રારની એક ઓનલાઈન બેઠક બોલાવવામાં આવી હતી.

એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, દરેક યુનિવર્સિટીને નિશ્ચિત સંખ્યામાં નવા એમઓયુ કરવા માટે પણ સરકાર આગામી દિવસોમાં ટાર્ગેટ આપી શકે છે.સરકારની સૂચના પ્રમાણે ડિસેમ્બર મહિનામાં યોજાનારા સ્ટાર્ટ અપ કોન્ક્લેવમાં એમ.એસ.યુનિવર્સિટી દ્વારા પણ પોતાનો સ્ટોલ ઉભો કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લે ૨૦૧૯માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ હતી.એ પછી કોરોનાના કારણે આયોજન પર ૨૦૨૧માં બ્રેક લાગી હતી.આમ પાંચ વર્ષ બાદ ગુજરાતમાં ફરી સમિટ યોજાવા જઈ રહી છે ત્યારે સરકારે તેના ભાગરુપે ઉચ્ચ શિક્ષણમાં યુનિવર્સિટીઓના એમઓયુ પણ થાય તેના પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.



Google NewsGoogle News